આજે ભારત-આફ્રિકા વચ્ચે ફાઈટ ટુ ફિનિશ
ભારત પાસે ૧૭ વર્ષ બાદ, આફ્રિકા પાસે પહેલી વખત ચેમ્પિયન બનવાની તક
બારબાડોસમાં રાત્રે ૮ વાગ્યાથી ટી-૨૦ વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો
રોહિત સહિતના બેટરનું ફોર્મ જરૂરી: ફાસ્ટ-સ્પીન બોલરો આફ્રિકા માટે મોટો પડકાર
બન્ને ટીમ દરેક મેચ જીતીને ફાઈનલમાં પહોંચી છે
ભારતીય ટીમે ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪ના ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય ટીમની ફાઈનલમાં ટક્કર આજે સાઉથ આફ્રિકા વિરુદ્ધ રાત્રે ૮ વાગ્યાથી બારબાડોસમાં થવાની છે. રોહિત શર્માની આગેવાનીવાળી ભારત અને એડેન માર્કરમના સુકાનવાળી આફ્રિકી ટીમની ટક્કર નિહાળવા માટે ક્રિકેટરસિકો એકદમ અધીરા છે.
ભારતે આ મેદાન ઉપર અત્યાર સુધી ત્રણ મુકાબલા રમ્યા છે. આ મુકાબલા વર્ષ ૨૦૧૦ના ટી-૨૦ વર્લ્ડકપમાં રમ્યા હતા. પહેલી મેચ ભારતે ઑસ્ટે્રલિયા વિરુદ્ધ વર્ષ ૨૦૧૦માં ૭ મેએ રમી હતી જેમાં ૪૯ રને ભારતનો પરાજય થયો હતો. જ્યારે બીજી મેચ ૯ મેએ વિન્ડિઝ વિરુદ્ધ રમી હતી જેમાં ભારતનો ૧૪ રને પરાજય થયો હતો. ત્રીજી મેચ ભારતે આ વર્ષે ટી-૨૦ વર્લ્ડકપમાં અફઘાન વિરુદ્ધ રમી હતી જ્યાં ભારતની જીત થઈ હતી.
આ મેદાન ઉપર ભારત-આફ્રિકા અત્યાર સુધી ક્યારેય આમને-સામને થયા નથી. બ્રિઝટાઉનના કેસિંગ્ટન ઓવલના રેકોર્ડની વાત કરીએ તો અહીં કુલ ૩૨ મેચ રમાઈ છે. આ દરમિયાન પહેલાં બેટિંગ કરનારી ટીમને સૌથી વધુ જીત હાંસલ થઈ છે. કુલ ૩૨ મેચમાં પહેલાં બેટિંગ કરનારી ટીમે ૧૯ જીત મેળવી છે તો પહેલાં બોલિંગ કરનારી ટીમે માત્ર દસ મેચ જ જીતી છે. જ્યારે બાકીની મેચ રદ્દ થવા પામી છે.
બન્ને ટીમ આ વખતના વર્લ્ડકપમાં પોતાની દરેક મેચ જીતીને ફાઈનલ સુધી પહોંચી હોય અત્યારે તો બન્નેનું પલડું ભારે દેખાઈ રહ્યું છે. ભારતની વાત કરવામાં આવે તો છેલ્લી બે મેચથી તે ફોર્મમાં રમી રહ્યો હોવાથી તેવી જ રમત ફાઈનલમાં પણ જરૂરી બની જશે. આ ઉપરાંત કોહલી, સૂર્યા સહિતના બેટરોનું ફોર્મ પણ જરૂરી બની રહેશે. આફ્રિકા માટે સૌથી મોટો પડકાર ભારતના ફાસ્ટ અને સ્પીન બોલરો બની રહેવાના છે. બુમરાહ-અર્શદીપે તરખાટ મચાવ્યો છે તો કુલદીપ-અક્ષર અને જાડેજા પણ કમાલ કરી રહ્યા છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકિપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દૂબે, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ
આફ્રિકાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
એડન માર્કરમ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, ક્વિન્ટન ડિકોક (વિકેટકિપર), હેનરિક ક્લાસેન, ડેવિડ મીલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જાનસેન, કેશવ મહારાજ, કગિસો રબાડા, એનરિક નાર્કિયા, તબરેઝ શમ્સી