CSKને સુપર’ ઝટકો, ડેવિડ કૉન્વે આઉટ’ થવાની તૈયારીમાં
ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપરકિંગ્સને આઈપીએલ શરૂ થાય તેના થોડા સપ્તાહ પહેલાં જ આકરો ઝટકો લાગ્યો છે. ન્યુઝીલેન્ડનો ધુંઆધાર બેટર ડેવોન કૉનવે મે મહિના સુધી રમી શકશે નહીં. પાછલા ફાઈનલનો પ્લેયર ઓફ ધ મેચ કોનવેને અંગૂઠામાં ઈજા પહોંચતાં તેની સર્જરી કરાવાશે જેના કારણે તે ઓછામાં ઓછા આઠ સપ્તાહ સુધી બેટ ઉપાડી શકશે નહીં. ૩૨ વર્ષીય ખેલાડીને તાજેતરમાં જ ઓસ્ટે્રલિયા વિરુદ્ધ ટી-૨૦ શ્રેણી દરમિયાન ઈજા પહોંચી હતી જેના કારણે તે પહેલી ટેસ્ટમાં પણ રમી શક્યો ન્હોતો. તબીબોની સલાહ બાદ તેણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો છે. સર્જરી બાદ તેને રિકવર થવામાં ઓછામાં ઓછા આઠ સપ્તાહનો સમય લાગશે. આવામાં કૉનવે અડધી આઈપીએલ રમી શકશે નહીં. આઈપીએલની શરૂઆત ૨૨ માર્ચથી થવાની છે જે મેના અંત સુધી રમાશે.
કોનવેના બહાર થવાથી ચેન્નાઈએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવો પડશે કેમ કે કોનવે એક મજબૂત પ્લેયર હતો જે ઋતુરાજ ગાયકવાડ સાથે મળીને જોરદાર શરૂઆત કરતો હતો. ૨૦૨૨માં પોતાના આઈપીએલ કરિયરની શરૂઆત કરનારા કોનવેએ પહેલી સીઝનમાં સાત મેચ રમીને ૪૨ની સરેરાશથી ૨૫૨ રન બનાવ્યા હતા જેમાં ત્રણ ફિફટી સામેલ હતી. ૨૦૨૩ની સીઝનમાં તેણે તમામ ૧૬ મેચ રમીને છ ફિફટી બનાવી હતી જેમાં તેના નામે ૬૭૨ રન બનાવ્યા હતા.