સુપ્રીમ કોર્ટના વકીલ આવ્યા મેદાને
પાકિસ્તાનના વિકેટકિપર-બેટર મોહમ્મદ રિઝવાનની મુશ્કેલીમાં વધારો થવાની તૈયારી છે. રિઝવાન વિરુદ્ધ વન-ડે વર્લ્ડકપ-૨૦૨૩માં નેધરલેન્ડસ સામેની મેચ દરમિયાન મેદાન ઉપર જ નમાઝ પઢવા બદલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી) સમક્ષ ફરિયાદ નોંધાવાઈ છે. વિનીત જિંદલ નામના ફરિયાદી જે ભારતના સુપ્રીમ કોર્ટના વકીલ છે તેમણે આઈસીસીને પત્ર લખીને કહ્યું કે છે રિઝવાને હૈદરાબાદમાં નેધરલેન્ડ સામેની મેચ દરમિયાન મેદાન ઉપર નમાઝ પઢી હતી જે ક્રિકેટની ભાવના પર સવાલો ઉભા કરી દે છે.
જિંદલે આઈસીસી ચેરમેન ગ્રેગ બાર્કલેના નામે જે પત્ર લખ્યો છે તેમાં પાકિસ્તાની ક્રિકેટર મોહમ્મદ રિઝવાન અંગે ફરિયાદ નોંધાઈ છે. પત્રમાં લખ્યું છે કે ક્રિકેટના મેદાનમાં અનેક ભારતીયો વચ્ચે નમાઝ પઢવાનું મોહમ્મદ રિઝવાનનું કૃત્ય તેના ધર્મનું જાણીજોઈને ચિત્રણ કરવામાં આવી રહ્યાનું પ્રતીક છે જે રમત ભાવના વિરુદ્ધનું છે. રિઝવાને જાણી જોઈને આવું કર્યું છે. આવું કરવું તેની વિચારધારા ઉપર સવાલો ઉભા કરે છે. તેણે આવું કરીને એમ બતાવ્યું છે કે તે એક મુસ્લિમ છે. ઉલ્લેખનીય છે કે રિઝવાન સામે આ બીજી ફરિયાદ નોંધાઈ છે. આ પહેલાં તેણે શ્રીલંકા વિરુદ્ધ બનાવેલી સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી.