આફ્રિકા સામે `પડતો’ મુકાતાં જ ચેતેશ્વરે પકડી ઈંગ્લેન્ડની વાટ…!
ઈંગ્લેન્ડ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સસેક્સ સાથે કર્યો કરાર: સાત મુકાબલા રમશે
ટીમ ઈન્ડિયાના અનુભવી બેટર ચેતેશ્વર પુજારાએ ઈંગ્લેન્ડમાં ૨૦૨૪ ઘરેલું ક્રિકેટ સીઝન માટે સસેક્સ સાથે ફરીથી કરાર કર્યો છે. ચેતેશ્વરે છેલ્લે જૂનમાં ઑસ્ટે્રલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ભારત વતી ટેસ્ટ મેચ રમી હતી. હવે તે સળંગ ત્રીજી સીઝન માટે સસેક્સ સાથે જોડાશે અને ટીમના પ્રથમ ૭ કાઉન્ટી મુકાબલા માટે ઉપલબ્ધ બનશે.
સસેક્સ વતી પોતાની ૧૮ કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચમાં પુજારાએ ૬૪.૨૪ની આશ્ચર્યજનક સરેરાશથી ૧૮૬૩ રન બનાવ્યા છે જેમાં ૮ સદી અને ૩ ફિફટી સામેલ છે. પુજારાએ એક નિવેદનમાં કહ્યું કે મેં પાછલી સીઝનમાં પોતાના સમયનો આનંદ લીધો છષ અને સસેક્સ પરિવાર સાથે ફરીથી જોડાઈને ખુશી અનુભવી રહ્યો છું. હું ટીમમાં સામેલ થવા અને તેની સફળતામાં યોગદાન આપવા માટે અત્યંત ઉત્સુક છું.
સસેક્સ માટે પુજારાનો હાઈએસ્ટ સ્કોર ૨૦૨૨માં ડર્બીશાયર વિરુદ્ધ બન્યો જ્યારે તેણે ૨૩૧ રન બનાવ્યા હતા. આ ઉપરાંત તેણે ટીમના ટૉમ હેન્સ સાથે ૩૫૧ રનની ભાગીદારી પણ કરી જેણે બેવડી સદી બનાવી હતી. ૨૦૨૩માં પુજારાનો સર્વોચ્ચ સ્કોર ૧૫૧ રન ગ્લોસ્ટરશાયર વિરુદ્ધ હતો જેમાં ૨૦ ચોગ્ગા અને ૨ છગ્ગા સામેલ હતા.
