ધીમી પીચ પર ફાઇનલ જંગ રમાઇ શકે: મોટો સ્કોર નહીં બને?
દડો રોકાઈને આવશે, શૉટ મારવો સરળ નહીં હોય: ભારત અને પાકિસ્તાન વચ્ચે જેવી પીચ હતી તેવી જ વિકેટ તૈયાર કરાયાની અટકળો: પીચને લઈને દુનિયાભરમાં તરેહ તરેહની ચર્ચાઓ શરૂ
ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે વર્લ્ડકપ-૨૦૨૩ના ફાઈનલ પહેલાં સૌથી વધુ ચર્ચા પીચને લઈને છે. આખા વર્લ્ડકપ દરમિયાન પીચને લઈને જોરદાર ચર્ચાઓ થઈ છે. એક બાજુ જ્યાં નાસીર હુસેન જેવા દિગ્ગજ ખેલાડી ભારતીય પીચના વખાણ કરી ચૂક્યા છે તો બીજી બાજુ પીચને લઈને વિવાદ પણ છે. ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ પહેલાં પીચ બદલવાને લઈને જોરદાર વિવાદ થયો હતો. હવે ફાઈનલ પહેલાં પણ ચારે બાજુ માત્ર પીચની જ વાતો ચાલી રહી છે. આ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે. આ મેદાન ઉપર ૧૧ પીચ છે. મનાય રહ્યું છે કે ફાઈનલ મેચ ધીમી પીચ ઉપર રમાશે મતલબ કે દડો પડ્યા બાદ બેટર પાસે રોકાઈને આવશે. આ પીચ કંઈક એવી જ હોઈ શકે છે જેવી ભારત-પાકિસ્તાન વચ્ચે આ મેદાન પરના મુકાબલામાં હતી. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે સ્ટેડિયમમાં વૈકલ્પીક ટે્રનિંગ સેશન દરમિયાન પીચનું વિસ્તૃત નિરીક્ષણ કર્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ત્રણ પ્રકારની પીચ છે. કાળી માટીથી બનેલી, લાલ માટીથી બનેલી અને બન્ને માટીને મીક્સ કરીને બનેલી પીચ છે. કાળી માટીની પીચ સામાન્ય રીતે ધીમી હોય છે. આ પ્રકારની પીચ પર ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન પાકિસ્તાન ૧૯૧ રને ઢેર થઈ ગયું હતું ત્યારે આજની મેચમાં કાળી માટીની પીચ ઉપર જ ટક્કર થઈ શકે છે.
વરસાદ પડશે તો કોણ બનશે ચેમ્પિયન? ટાઇ થશે તો શું?
અમદાવાદ: વિશ્વકપનો ફાઈનલ રમાય તે પહેલાં વરસાદને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. આવામાં દરેક ક્રિકેટરસિકના મનમાં એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો છે કે વરસાદ પડશે તો પછી પરિણામ કેવી રીતે નીકળશે. ક્રિકેટ મેચમાં વરસાદ હંમેશા એક ચિંતાનો વિષય રહ્યો છે. જો કે આઈસીસી વર્લ્ડકપ-૨૦૨૩ના નોકઆઉટ મુકાબલા માટે રિઝર્વ-ડે રખાયો છે આવામાં જો વરસાદ પડશે તો મેચને બીજા દિવસે પૂરી કરાવાશે. વરસાદ પડે છે તો ડકવર્થ લૂઈસ મેથડથી પરિણામ કાઢવાની કોશિશ કરાશે પરંતુ તેના માટે ઓછામાં ઓછી ૨૦ ઓવર ફેંકાવી જરૂરી છે. આવી સ્થિતિમાં ઓવરમાં કાપ અથવા તો લક્ષ્યાંકમાં ફેરફાર કરાશે. જો આમ પણ પરિણામ ન નીકળે તો પછી મેચ રિઝર્વ-ડેમાં પૂરી કરાશે. રિઝર્વ-ડેમાં રમત ત્યાંથી જ શરૂ થશે જ્યાં આગલા દિવસે અટકી હતી. જો રિઝર્વ-ડે પણ વરસાદને કારણે ધોવાઈ જાય તો પોઈન્ટ ટેબલમાં સૌથી વધુ પોઈન્ટ ધરાવતી ટીમને ચેમ્પિયન જાહેર કરાશે જેમાં ભારત આગળ છે. આવી જ રીતે મેચ ટાઈ થાય તો આઈસીસીના નવા નિયમ પ્રમાણે સુપર ઓવર રમાડાશે જેમાં પણ પરિણામ ન નીકળે તો તો બીજી ઓવર આવશે અને જો તેનાથી પણ પરિણામ ન આવે તો બન્નેને સંયુક્ત વિજેતા જાહેર કરાશે.
ટીમ ઇન્ડિયા માટે `અનલક્કી’ રિચર્ડ કેટલબરો કરશે અમ્પાયરિંગ!
અમદાવાદ: ભારત માટે હંમેશા અનલક્કી રહેલા રિચર્ડ કેટેલબરો (ઈંગ્લેન્ડ) અમ્પાયરિંગ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. રિચર્ડ ઈલિંગવર્થ (ઈંગ્લેન્ડ) પણ ફિલ્ડ અમ્પાયર તરીકે રહેશે. થર્ડ અમ્પાયર તરીકે જોએલ વિલ્સન, ફોર્થ અમ્પાયર તરીકે ક્રિસ ગૈફની, મેચ રેફરી તરીકે એન્ડી પાઈક્રાફ્ટ રહેશે.
પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થશે? ૭ વિકેટ લેનારો બોલર બહાર?
અમદાવાદ: આજે ઑસ્ટે્રલિયા સામે ફાઈનલ મુકાબલો રમાય તે પહેલાં ભારતીય ટીમમાં ફેરફાર થઈ શકે છે. પ્લેઈંગ ઈલેવનમાંથી સાત વિકેટ લેનારો બોલર બહાર થઈ શકે છે અને તેની જગ્યાએ આર.અશ્વિન ટીમમાં સામેલ થઈ શકે છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ અશ્વિનને રમાડવા તરફ જોઈ રહ્યું છે અને આ માટે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી ૪ મેચમાં ૭ વિકેટ લેનારા મોહમ્મદ સીરાજને પડતો મુકી શકે છે. અમદાવાદની પીચ ઉપર અશ્વિન ખૂબ જ ચાલ્યો છે તેણે ૩ વન-ડેમાં પાંચ વિકેટ ખેડવી છે. આ ઉપરાંત ઑસ્ટે્રલિયન ટીમમાં ડાબા હાથના બેટરો વધુ હોય તેના શિકાર માટે સામેલ કરાઈ શકે છે. આવી જ રીતે અમદાવાદની પીચ પર સ્પીનરોનો દબદબો જોવા મળે છે. જાડેજા અને કુલદીપ તો છે જ સાથે જ અશ્વિનને સામેલ કરી સ્પીન ત્રિપૂટી મજબૂત બનાવી શકે છે.
અમે ૨ વિકેટે ૪૫૦ રન બનાવશું, ભારતને ૬૫ રને ઓલઆઉટ કરશું!!
અમદાવાદ: વર્લ્ડકપ ફાઈનલ પહેલાં ક્રિકેટરસિકોનો રોમાંચ ચરમસીમા પર છે ત્યારે ઑસ્ટે્રલિયન ટીમના ઑલરાઉન્ડર મીચેલ માર્શે મોટી ભવિષ્યવાણી કરતા કહ્યું કે ઑસ્ટે્રલિયન ટીમ આ મુકાબલામાં હારશે નહીં. તે પહેલાં બેટિંગ કરીને ૨ વિકેટે ૪૫૦ રન બનાવશે અને ભારતીય ટીમને ૬૫ રને ઓલઆઉટ કરી દેશે ! માર્શે આ નિવેદન આપતાં જ તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે કેમ કે વર્લ્ડકપમાં અત્યાર સુધી એકેય ટીમે ભારતને ૧૦૦ રનની અંદર ઓલઆઉટ કર્યું નથી એટલે ૧૦૦ રન તો દૂરની વાત છે.
બોલ, પીચ કેટલા રન? ક્યારેક મોબાઈલ, ક્યારેક સ્પર્શ કરી ખેલાડીઓએ પીચનું કર્યું નિરીક્ષણ
ઑસ્ટે્રલિયન કેપ્ટન પેટ કમીન્સે અમદાવાદની પીચનું એકદમ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેણે મોબાઈલમાં પીચની તસવીર ખેંચી તો ક્યારેક પીચને સ્પર્શ કરીને તે કેવો `વ્યવહાર’ કરશે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.