ધર્મશાલા ક્રિકેટ ગ્રાઉન્ડને કારણે BCCIનો `ફજેતો’
અફઘાન-બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં આઉટફિલ્ડ જરા પણ સારું ન હોવાનો કોચનો આક્ષેપ: ફિલ્ડિંગ કરતી વખતે મુજીબ રહેમાન માંડ માંડ બચ્યો
બાંગ્લાદેશ-અફઘાનિસ્તાન વચ્ચે વર્લ્ડકપનો ત્રીજો મુકાબલો ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર રમાયો હતો. આ મેચ દરમિયાન કંઈક એવું બન્યું જેના કારણે બીસીસીઆઈની ટીકાઓ થવા લાગી છે. મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે અફઘાની ખેલાડી મુજીબ-ઉર-રહેમાન ખરાબ આઉટફિલ્ડને કારણે ઈજાગ્રસ્ત થતાં માંડ માંડ બચ્યો હતો. અફઘાની ટીમના કોચે પણ મેદાનની ટીકા કરી છે અને કહ્યું કે ખેલાડીના નસીબ સારા હતા કે તેને ઈજા નથી પહોંચી !
ક્રિકેટ બોર્ડે વર્લ્ડકપ પહેલાં અમુક સ્ટેડિયમના રિનાવેશન પાછલ ૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે ધર્મશાલાના આ સ્ટેડિયમને ઠીક કરવાની તૈયારી તો ચાલું વર્ષના પ્રારંભથી જ કરી દેવાઈ હતી. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસો.ની તૈયારી પૂરી ન થઈ હોવાને કારણે માર્ચમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની મેચ પણ સ્થળાંતરિત કરવામાં આવી હતી. હવે વર્લ્ડકપ દરમિયાન પણ આ મેદાન મેચ માટે ફિટ હોય તેવું લાગી રહ્યું નથી. દરમિયાન અફઘાન કોચ જોનાથન ટ્રોટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે અહીં રમવું ખેલાડી માટે જોખમકારક છે. અહીં ખેલાડી ડાઈવ લગાવે એટલે તેને ઈજા પહોંચી શકે છે. આ દિશામાં બોર્ડે ધ્યાન આપવાની જરૂર છે.