BCCIની ભૂલે સૌરાષ્ટ્રના ખેલાડીનું કરિયર મુકી દીધું જોખમમાં !
ભાવનગરના ચેતન સાકરિયાની બોલિંગ એક્શન શંકાસ્પદ હોવાનો રિપોર્ટ થયો હોવાની વાત વહેત થઈ: જો કે બાદમાં કર્ણાટકનો ચેતન હોવાનું ખુલ્યું
આઈપીએલ-૨૦૨૪ માટે ખેલાડીઓની હરાજી ૧૯ ડિસેમ્બરે દુબઈમાં યોજાવાની છે. આ હરાજીમાં ૩૩૩ ખેલાડી ભાગ લઈ રહ્યા છે જેમાં ૨૧૪ ભારતીય છે તો ૧૧૯ વિદેશી ખેલાડી છે. જ્યારે હરાજી પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડે સાત બોલરોની બોલિંગ એક્શનને શંકાસ્પદ ગણી છે અને આ અંગેની જાણકારી બોર્ડે ફ્રેન્ચાઈઝીને મોકલી છે. આ પછી એવા અહેવાલો વહેતા થયા હતા કે રિપોર્ટમાં જે ખેલાડીઓના નામ સામેલ છે તેમાં ભાવનગરનો ચેતન સાકરિયા પણ છે. જો કે હવે સ્પષ્ટતા થઈ ચૂકી છે કે એ બોર્ડની ભૂલ હતી અને બે ખેલાડીઓના નામ એક સરખા હોવાને કારણે ભ્રમની સ્થિતિ ઉભી થઈ હતી.
ક્રિકબઝના અહેવાલ પ્રમાણે ચેતન સાકરિયાનું નામ બીસીસીઆઈએ શંકાસ્પદ બોલિંગ એક્શનની યાદીમાં રાખ્યું હતું જે એક ભૂલ હતી. રિપોર્ટમાં દાવો કરાયો છે કે બોર્ડે જે બોલરોની બોલિંગ એક્શનને શંકાસ્પદ માની છે તેમાં ડાબા હાથના ફાસ્ટ બોલરનું નામ સામેલ ન્હોતું. ચેતન ડાબા હાથે ફાસ્ટ બોલિંગ કરે છે.
હવે ખુલાસો થયો છે કે એ ચેતન નહીં બલ્કે કર્ણાટકના એક ફાસ્ટ બોલરનું નામ છે જે પણ ચેતન જ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રમુખ જયદેવ શાહે કહ્યું કે આ એક ત્રૂટિ હતી અને ચેતનને ક્યારેય બોલાવવામાં આવ્યો નથી અને તે યાદીમાં સામેલ પણ નથી. આ અંગે ફ્રેન્ચાઈઝીને જાણ કરી દેવામાં આવી છે.