દિલધડક મુકાબલામાં બેંગ્લોરનો કોલકતા સામે 1 રનથી પરાજય
કોલકતાએ 6 વિકેટે 222 રન કર્યાહતા: આરસીબી 221 રન બનાવી ઓલઆઉટ
કોલકતાના ઇડન ગાર્ડન ખાતે રમાયેલી મેચ દિલધડક રહી હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સે છેલ્લા બોલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 1 રને પરાજય આપ્યો હતો. આરસીબીને જીત માટે છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી. ત્યારે કર્ણ શર્માએ સ્ટાર્કની ઓવરમાં ત્રણ સિક્સ ફટકારી હતી. પરંતુ તે પાંચમાં બોલે આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ આરસીબીને છેલ્લા બોલે ત્રણ રનની જરૂર હતી. ત્યારે ફર્ગ્યુસન એક રન બનાવી રનઆઉટ થઈ ગયો હતો. કોલકત્તાએ સીઝનમાં પાંચમી જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટે 222 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં આરસીબી 20 ઓવરમાં 221 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
વિરાટ કોહલી 7 બોલમાં એક ફોર અને બે સિક્સ સાથે 18 રન બનાવી આઉટ થયો હતો. કોહલી ફુલટોસ બોલમાં આઉટ થયો હતો. થર્ડ અમ્પાયરે આઉટ આપતા કોહલી નારાજ જોવા મળ્યો હતો. ફાફ માત્ર 2 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આરસીબી તરફથી વિલ જેક્સે શાનદાર અડધી સદી ફટકારી હતી. જેક્સે 32 બોલમાં 4 ચોગ્ગા અને 5 સિક્સ સાથે 55 રન બનાવ્યા હતા.
રજત પાટીદારે પણ 23 બોલમાં 3 સિક્સ સાથે 52 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીન 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે સુયશ પ્રભુદેસાઈ 24 અને લોમરોર 4 રન બનાવી આઉટ થયા હતા. દિનેશ કાર્તિક 18 બોલમાં 25 રન બનાવી આઉટ થયો હતો. કર્ણ શર્માએ 7 બોલમાં ત્રણ સિક્સ સાથે 20 રન બનાવ્યા હતા. કોલકત્તા તરફથી આંદ્રે રસેલે ત્રણ, હર્ષિત રાણા અને સુનીલ નરેને બે-બે વિકેટ લીધી હતી. જ્યારે એક-એક સફળતા સ્ટાર્ક અને ચક્રવર્તીને મળી હતી.