બાબર આઝમે બીજી વખત છોડી કેપ્ટનશીપ
ભારત સામે ટેસ્ટ શ્રેણી પહેલાં ન્યુઝીલેન્ડના કેપ્ટન સાઉધીનું પણ રાજીનામું
બાબર આઝમ હવે વન-ડે અને ટી-૨૦માં પાકિસ્તાન ટીમનો કેપ્ટન નહીં હોય. તેણે કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી. આ સાથે જ બીજી વખત તેણે આવું કર્યું છે. કેપ્ટનશિપ છોડવાની જાહેરાત તેણે અડધી રાત્રે સોશ્યલ મીડિયા દ્વારા કરી હતી. બાબરે આ નિર્ણય એટલામાટેલીધો કેમ કે તે પોતાની બેટિંગ અને રમત ઉપર ધ્યાન કેન્દ્રીત કરી શકે.
તેણે કહ્યું કે તે ખેલાડી તરીકે ટીમ માટે પોતાનું યોગદાન આપતો રહેશે. બાબરે પાછલા વર્ષે વન-ડે વર્લ્ડકપ બાદ જ પાકિસ્તાનની કમાન છોડી દીધી હતી.
આ ઉપરાંત ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૬ ઑક્ટોબરથી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમાય તે પહેલાં ન્યુઝીલેન્ડના કેપ્ટન ટીમ સાઉધીએ રાજીનામું આપી દીધું છે. હવે ટોમ લેથમ ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન હશે. શ્રીલંકા વિરુદ્ધ શ્રેણીમાં ૨-૦થી હાર બાદ સાઉધીએ ટીમનું સુકાન છોડ્યું છે. સાઉધીએ કહ્યું કે તેણે આ નિર્ણય ટીમના હિતમાં લીધો છે.