ધારણા પ્રમાણે જ રનોનું થયું રમખાણ: બોલરોની હાલત કફોડી, બેટરોની બલ્લે બલ્લે
ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં બનાવ્યા ૩૫૨ રન: મીચેલ માર્શ ૪ રને સદી ચૂક્યો: વૉર્નર-સ્મિથ-માર્શની ફિફટી: બુમરાહે ૧૦ ઓવરમાં લૂંટાવ્યા ૮૧ રન: એકમાત્ર વોશિંગ્ટન સુંદરને બાદ કરતા તમામ બોલરોની ધોલાઈ
આકરાં તાપ વચ્ચે `હાઈલાઈટસ’ સમાન ઈનિંગ નિહાળી ક્રિકેટરસિકો આફરિન: બેટિંગ પેરેડાઈઝ વિકેટ પર બોલરોની અગ્નિપરીક્ષા
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચમાં ટોસ જીતી ઑસ્ટ્રેલિયાએ `પૈસાવસૂલ’ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં ૩૫૨ રન ખડકી દીધા હતા. આ સાથે જ રાજકોટના ગ્રાઉન્ડ ઉપર ભારતે બનાવેલા ૩૪૦ રનનો રેકોર્ડ પણ ઑસ્ટે્રલિયન બેટરોએ તોડી નાખ્યો છે. ૨૦૨૦માં આ જ ગ્રાઉન્ડ પર ભારતે ઑસ્ટે્રલિયા સામે ૩૪૦ રન બનાવ્યા હતા. આ મેચમાં ટોસ અત્યંત મહત્ત્વનું ફેક્ટર હોવાને કારણે ઑસ્ટે્રલિયાએ તેમાં જીત મેળવી પહેલાં બેટિંગ કરી હતી અને શરૂઆતથી જ ભારતના તમામ બોલરોની ધોલાઈ કરવાનું શરૂ કરી દીધું હતું.
ઑસ્ટ્રેલિયા વતી ઈનિંગની શરૂઆત ડેવિડ વૉર્નર અને મીચેલ માર્શે કરી હતી. બન્નેએ ૮.૧ ઓવરમાં ૭૮ રન બનાવ્યા બાદ વૉર્નર ૩૪ બોલમાં ૪ છગ્ગા અને ૬ ચોગ્ગાની મદદથી ૫૬ રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ મીચેલ માર્શ અને સ્ટિવ સ્મિથે સ્કોર ૨૧૫ રન સુધી પહોંચાડ્યો હતો. જો કે મીચેલ માર્શ ૯૬ રન બનાવીને આઉટ થતાં એક સુંદર ભાગીદારી તૂટી હતી સાથે સાથે તે માત્ર ૪ રને સદી ચૂકી ગયો હતો. તેના આઉટ થયા બાદ સ્મિથ અને લાબુશેને ઈનિંગને આગળ વધારી હતી. આ પછી સ્મિથ ૭૪ અને લાબુશાને ૭૨ રન બનાવીને આઉટ થયા હતા. એકંદરે ઑસ્ટ્રેલિયાના ટૉપ-૪ બેટરોએ ફિફટી ફટકારી ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. આ ઉપરાંત એલેક્સ કેરીએ ૧૧, મેક્સવેલે ૫, કેમરુન ગ્રીને ૯, કેપ્ટન કમીન્સે ૧૯ અને સ્ટાર્કે ૧ રનનું યોગદાન આપ્યું હતું.
બોલિંગમાં ભારત વતી જસપ્રિત બુમરાહ સૌથી મોંઘો સાબિત થયો હતો. તેણે ૧૦ ઓવરમાં ૮૧ રન આપી ત્રણ વિકેટ ખેડવી હતી. આ ઉપરાંત કુલદીપ યાદવને ૨ અને સીરાજ-કૃષ્ણાને ૧-૧ સફળતા સાંપડી હતી.