સેનાના જવાને 22 વર્ષ બાદ પેરાલિમ્પિકમાં જીત્યો મેડલ
- અસમ રેજિમેન્ટમાં કાર્યરત નગાલેન્ડના હોકાટો સેમાએ ભારતને અપાવ્યો ૨૭મો મેડલ
- મેન્સ શૉટ પુટમાં ૧૪.૬૫ મીટર દૂર ગોળો ફેંકી બ્રોન્ઝ મેડલ કર્યો કબજે
પેરિસ પેરાલિમ્પિકના આઠમા દિવસે નગાલેન્ડના હોકાટો સેમાએ ભારતને ૨૭મો મેડલ અપાવ્યો હતો. તેણે પુરુષ શૉટ પુટની એફ-૫૭ કેટેગરીમાં આ મેડલ હાંસલ કર્યો હતો. ૪૦ વર્ષીય હોકાટોએ ૧૪.૬૫ મીટરનો થ્રો કરતાં તે ત્રીજા ક્રમે રહ્યો હતો. આ સાથે જ તેણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. પેરિસ પેરાલિમ્પિકમાં હવે ભારત પાસે ૬ ગોલ્ડ, ૯ સિલ્વર અને ૧૨ બ્રોન્ઝ મેડલ આવી ગયા છે અને ભારતનો ક્રમ ૧૭મો છે.
હોકાટો સેમા પેરાલિમ્પિકમાં મેડલ જીતનારો નગાલેન્ડનો પ્રથમ ખેલાડી છે. તેણે ત્રીજા પ્રયાસમાં ૧૪.૪૦ મીટરનો થ્રો કર્યો હતો. આ પછી ચોથા પ્રયાસમાં સુધારો કરતા ૧૪.૬૫ મીટરનો થ્રો કર્યો હતો જે તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હતો. અગાઉ તેનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો ૧૪.૪૯ મીટર હતો. આ રમતમાં ઈરાનના યાસીન ખોસરાવીએ ૧૫.૯૬ મીટર સાથે ગોલ્ડ અને બ્રાઝીલના પોલિનો ડૉસ સેન્ટૌસે ૧૫.૦૬ મીટર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
હોકાટો ખેડૂત પરિવારમાંથી આવે છે. તે બહુ નાની ઉંમરે સેનામાં જોડાઈ ગયા હતા. તેનું સ્વપ્ન હતું કે તે ઈલિટ સ્પેશ્યલ ફોર્સનો હિસ્સો બને પરંતુ ૧૮ વર્ષની ઉંમરે તેનું આ સ્વપ્ન તૂટી ગયું હતું. વર્ષ ૨૦૨૨માં એલઓસી પર એક ઓપરેશન દરમિયાન તે લેન્ડમાઈન બ્લાસ્ટની ઝપટે આવી જતાં એક પગ ગુમાવવો પડ્યો હતો.