ચિરાગ-સાત્વિકની જોડીને ખેલરત્ન, શમી સહિત ૨૬ ખેલાડીને અર્જુન એવોર્ડ
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો ઝાકઝમાળભર્યો સમારોહ, તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો: ખેલરત્ન વિજેતાને ૨૫ લાખ, અર્જુન-દ્રોણાચાર્ય એવોર્ડ જીતનારાને ૧૫ લાખનું ઈનામ
ભારત માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓને ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે રાષ્ટ્રીય રમત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ક્રિકેટર મોહમ્મદ શમી રાષ્ટ્રપતિ ભવનમાં તાળીઓના ગડગડાટ વચ્ચે ડાયસ સુધી પહોંચ્યો હતો. જેમાં સૌથી મોટું સન્માન `ખેલ રત્ન’ એવોર્ડ બેડમિન્ટનની સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડીને મળ્યું હતું તો ક્રિકેટર મોહમ્મદ શમી સહિત ૨૬ ખેલાડીઓને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
ચિરાગ-સાત્વિકને ૨૦૨૩માં શાનદાર પ્રદર્શન માટે પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ બન્નેએ ૨૦૨૩માં એશિયન ગેમ્સમાં બેડમિન્ટનની રમતમાં દેશનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત એશિયન ચેમ્પિયનશિપ અને ઈન્ડોનેશિયા ઓપન સુપર-૧૦૦૦નો ખીતાબ પણ જીત્યો હતો. આ જોડી અત્યારે મલેશિયા ઓપનમાં વ્યસ્ત હોવાથી કાર્યક્રમમાં હાજર રહી ન્હોતી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં ૨૬ ખેલાડીઓ-પેરા ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આટલા ખેલાડીઓને કરાયા સન્માનિત
ખેલરત્ન
ચિરાગ શેટ્ટી-સાત્વિક સાંઈરાજરંકીરેડ્ડી (બેડમિન્ટન)-ખેલરત્ન
અર્જુન એવોર્ડ
ઓજસ પ્રવીણ દેવતાલે (તીરંદાજી), અદિતિ ગોપીચંદ સ્વામી (તીરંદાજી), મુરલી શ્રીશંકર (એથ્લેટિક્સ), પારુલ ચૌધરી (એથ્લેટિક્સ), મોહમ્મદ હુસામુદ્દીન (બોક્સિંગ), આર.વૈશાલી (ચેસ), મોહમ્મદ શમી (ક્રિકેટ), અનુશ અગ્રવાલ (ઘોડેસ્વારી), દિવ્યકૃતિ સિંહ (ઘોડેસ્વારી), દીક્ષા ડાગર (ગોલ્ફ), કૃષ્ણ બહાદુર પાઠક (હોકી), સુશીલા ચાનુ (હોકી), પવન કુમાર (કબડ્ડી), રિતુ નેગી (કબડ્ડી), નસરીન (ખો-ખો), પિન્કી (લોન બોલ્સ), ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર (શૂટિંગ), ઈશા સિંહ (શૂટિંગ), હરિંદર પાલ સિંહ સંધૂ (સ્કવોશ), અયહિકા મુખર્જી (ટેબલ ટેનિસ), સુનીલ કુમાર (કુશ્તી), અંતિમ પંઘાલ (કુશ્તી), નાઓરેમ રોશિબિના દેવી (વુશુ), શીતલ દેવી (પૈરા તીરંદાજી), ઈલૂરી અજય કુમાર રેડ્ડી (દિવ્યાંગ ક્રિકેટ), પ્રાચી યાદ (પૈરા કૈનોઈંગ)