US ઓપનમાં વધુ એક અપસેટ: નોવાક જોકોવિચનો કારમો પરાજય
૧૪ વખત ડબલ ફોલ્ટ કરવા ઉપરાંત મેચ દરમિયાન થાકને કારણે હાર્યો: ઑસ્ટે્રલિયાના પોપિરિને બિલકુલ મચક ન આપી
કાર્લોસ અલ્કારાજના બહાર થયાના બીજા જ દિવસે ડિફેન્ડિંગ ચેમ્પિયન નોવાક જોકોવિચ પણ ચાર સેટ સુધી ચાલેલા મુકાબલામાં હારીને અમેરિકી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પોતાનું ૨૫મું ગ્રાન્ડ સ્લેમ જીતવા માટે મથી રહેલા જોકોવિચને ઑસ્ટે્રલિયાના ૨૮મા ક્રમના એલેક્સી પોપિરિને ૬-૪, ૬-૪, ૨-૬, ૬-૪થી હરાવ્યો હતો. આ સાથે જ ૨૦૧૭ બાદ પહેલી વખત એવું બન્યું છે જ્યારે જોકોવિચ વર્ષમાં એક પણ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટ જીતી શક્યો નથી.
૨૦૦૨ બાદ પહેલી વખત એવું બન્યું છે કે ટેનિસના ત્રણ દિગ્ગજ ખેલાડી જોકોવિચ, રાફેલ નડાલ અને રોજર ફેડરરમાંથી કોઈએ પણ કોઈ એક વર્ષમાં ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી હાંસલ કરી નથી. જોકોવિચ અગાઉ ૨૦૦૫ અને ૨૦૦૬માં યુએસ ઓપનના ત્રીજા રાઉન્ડથી આગળ વધી શક્યો ન્હોતો. તે ૨૦૧૧, ૨૦૧૫, ૨૦૧૮ અને ૨૦૨૩માં ચેમ્પિયન બન્યો હતો.પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા જોકોવિચે ૧૪ વખત ડબલ ફોલ્ટ કર્યો અને તે મેચ દરમિયાન થાકી ગયેલો પણ જોવા મળી રહ્યો હતો. ઑસ્ટે્રલિયાના ૨૫ વર્ષીય પોપિરિનની જોકોવિચ વિરુદ્ધ આ પહેલી જીત છે. હવે તેનો મુકાબલો અમેરિકાના ૨૦મા ક્રમના ફ્રાન્સીસ ટિયાફો સામે થશે.
ભારતીય ખેલાડીઓનો દબદબો
ભારતના યુકી ભાંબરી અને ફ્રાન્સના અલ્બાનો ઓલિવેટીની જોડીએ પહેલો સેટ ગુમાવ્યા બાદ શાનદાર વાપસી કરીને ઑસ્ટિન ક્રાઝિસ્ક અને જીન જૂલિયન રોજરને હરાવીને અમેરિકી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના મેન્સ ડબલ્સના ત્રીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. આ ઉપરાંત રોહન બોપન્ના અને મેથ્યુ એબડેનની જોડીએ સ્પેન અને આર્જેન્ટીનાની જોડીને હરાવીને ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે.