૩ વર્ષ બાદ રાજકોટ જોશે કોહલી-રોહિતની `સટાસટી’
વર્લ્ડકપ પહેલાં છેલ્લી’ને વર્લ્ડકપની પહેલી મેચ પણ ઑસ્ટે્રલિયા સામે જ રમશે ભારત
રાજકોટની પીચ પર રોહિત શર્માએ રમેલી બે મેચમાં એક ફિફટીની મદદથી ૧૦૭, કોહલીએ રમેલી ત્રણ મેચમાં બે ફિફટીની મદદથી બનાવ્યા છે ૧૭૦ રન: છેલ્લે આ બન્નેની જોડી ૨૦૨૦માં ઑસ્ટે્રલિયા સામે રમી’તી જેમાં રોહિતે ૪૨ તો કોહલીએ ઝૂડ્યા હતા ૭૮ રન
SCA સ્ટેડિયમ પર રમાયેલી ત્રણ વન-ડે મેચમાં ભારત એક જીત્યું છે તો બે હાર્યું છે: વર્લ્ડકપ પહેલાં ૨૭ સપ્ટેમ્બરે રાજકોટમાં વન-ડે મુકાબલો રમાઈ ગયા બાદ ભારત પોતાના અભિયાનનો પ્રારંભ ૮ ઑક્ટોબરે ઑસ્ટે્રલિયા સામેની મેચથી જ કરશે
પેટા: રાજકોટનો મુકાબલો બંને ટીમ માટે બનશે `ડે્રસ રિહર્સલ’
૨૭ સપ્ટેમ્બરને બુધવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે રમાનારા વન-ડે મુકાબલાને નિહાળવા માટે સૌરાષ્ટ્રના ક્રિકેટરસિકો અધીરા' બની ગયા છે. આ મુકાબલો એટલા માટે રોમાંચક બની રહેવાની સંભાવના છે કેમ કે ૫ ઑક્ટોબરથી શરૂ થનારા વન-ડે વર્લ્ડકપ પહેલાં ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે છેલ્લી વન-ડે મેચ રમાવાની છે જે રાજકોટને મળી છે. આ ઉપરાંત વર્લ્ડકપમાં ભારતની ટીમ પોતાના અભિયાનનો પ્રારંભ પણ ઑસ્ટે્રલિયા સામેની મેચથી જ કરવાની હોવાને કારણે એકંદરે આ મુકાબલો બન્ને ટીમ માટે
ડે્રસ રિહર્સલ’ સમાન બની રહેશે. આ ઉપરાંત મેચનું સૌથી મોટું આકર્ષણ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટર વિરાટ કોહલી બની રહેશે કેમ કે ત્રણ વર્ષ બાદ આ બન્ને દમદાર ખેલાડીઓની રમત રાજકોટીયન્સ જોઈ શકશે. રાજકોટની પીચ ઉપર રોહિત શર્માએ બે મેચ રમી છે જેમાં આફ્રિકા સામે ૬૫ રન ઉપરાંત ઑસ્ટે્રલિયા સામે ૪૨ રન મળીને તેણે ૧૦૭ રન બનાવ્યા છે. આવી જ રીતે કોહલીએ રાજકોટમાં રમાયેલી ત્રણેય મેચ રમી છે જેમાં આફ્રિકા સામે ૭૭ અને ઑસ્ટે્રલિયા સામે ૭૮ રન અને ઈંગ્લેન્ડ સામે ૧૨ રન મળી કુલ ૧૭૦ રન બનાવ્યા છે. છેલ્લે આ બન્નેની જોડી ૨૦૨૦માં ઑસ્ટે્રલિયા સામે રમાયેલી વન-ડે મેચમાં રમી હતી જેમાં રોહિતે ૪૨ અને કોહલીએ ૭૮ રનનું યોગદાન આપ્યું હતું અને આ મેચ ભારતે પોતાના નામે કરી હતી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર અત્યાર સુધીમાં ત્રણ વન-ડે મેચ રમાઈ છે જેમાં ઈંગ્લેન્ડ અને આફ્રિકા સામે ભારતનો પરાજય થયો છે તો ઑસ્ટે્રલિયા સામે તેને જીત મળી છે.
૪ વખત બન્યો ૩૦૦+ સ્કોર છતાં સદી માત્ર ૧ !
એસસીએ સ્ટેડિયમ ઉપર અત્યાર સુધી ત્રણ વન-ડે મેચની છ ઈનિંગ રમાઈ છે જેમાં ચાર ઈનિંગમાં ૩૦૦+નો સ્કોર બન્યો છે. જો કે સદી માત્ર એક જ બની છે. આ સ્ટેડિયમ પર ૨૦૧૧માં રમાયેલી પ્રથમ વન-ડેમાં ઈંગ્લેન્ડે ૩૨૫ રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારત ૩૧૬ રન જ બનાવી શક્યું હતું. આ પછી ૨૦૧૫માં અહીં આફ્રિકાએ ૨૭૦ રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારત ૨૫૨ રન જ બનાવી શક્યું હતું. જો કે આ મેચમાં આફ્રિકા વતી ક્વિન્ટન ડી’કોકે સદી બનાવી હતી. જ્યારે ૨૦૨૦માં ભારતે પહેલાં બેટિંગ કરતાં ૩૪૦ રન બનાવ્યા હતા જવાબમાં ઑસ્ટે્રલિયા ૩૦૪ રન જ બનાવી શક્યું હતું. એકંદરે ત્રણેય વન-ડેની છ ઈનિંગ મળી કુલ ૧૮૦૭ રન અહીં બન્યા છે.
ઈંગ્લેન્ડ સાથે સૌથી વધુ ૫, આફ્રિકા સામે સૌથી ઓછી ૩ ફિફટી બની
રાજકોટમાં રમાયેલી ત્રણ વન-ડે મેચમાં કુલ ૧૨ ફિફટી નોંધાઈ છે જેમાં સૌથી વધુ પાંચ ફિફયી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં બની હતી. આ ઉપરાંત ભારત-આફ્રિકા વચ્ચેની મેચમાં ૩ અને ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચેની મેચમાં ૪ ફિફટી બની હતી.
ભારતીય ટીમે રાજકોટમાં ૮૭ ચોગ્ગા, ૧૨ છગ્ગા લગાવ્યા
રાજકોટના સ્ટેડિયમ ઉપર ભારતીય ટીમે રમેલી ત્રણ વન-ડે પૈકી ઈંગ્લેન્ડ સામેની મેચમાં ૩૪, આફ્રિકા સામેની મેચમાં ૨૦ અને ઑસ્ટે્રલિયા સામેની મેચમાં ૩૩ ચોગ્ગા મળી કુલ ૮૭ ચોગ્ગા લગાવ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડ સામે ૫ છગ્ગા, આફ્રિકા સામે ૩ અને ઑસ્ટે્રલિયા સામે ૪ છગ્ગા મળી કુલ ૧૨ છગ્ગા લગાવ્યા છે.
૧૨ વર્ષ પહેલાં રાજકોટમાં કોહલીએ ફેંકી’તી એક ઓવર
૧૧ જાન્યુઆરી-૨૦૧૧માં એસસીએ સ્ટેડિયમ પર ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાઈ હતી જેમાં વિરાટ કોહલીએ ૧ ઓવર ફેંકી નવ રન આપ્યા હતા. સામાન્ય રીતે કોહલી બોલિંગ ફેંકતો નથી પરંતુ તેમાં તેનો બોલર તરીકે ઉપયોગ કરાયો હતો. આ મેચમાં ભારતનો નવ રને પરાજય થયો હતો.
રાજકોટમાં સૌથી સસ્તો બોલર અમિત મિશ્રા તો સૌથી મોંઘો એશ્ટન એગર રહ્યો
રાજકોટની પીચ ઉપર સૌથી ચુસ્ત બોલિંગ ફેંકવા મામલે અમિત મિશ્રા અવ્વલ છે. તેણે આફ્રિકા સામેની મેચમાં ૧૦ ઓવર ફેંકી ૩૮ રન આપીને એક વિકેટ ખેડવી હતી. આ રીતે તેની ઈકોનોમી ૩.૮૦ની રહી હતી. જ્યારે સૌથી મોંઘા બોલર તરીકે ઑસ્ટે્રલિયાના એશ્ટન એગરનું નામ આવે છે જેણે ૨૦૨૦માં ભારત સામે ૮ ઓવર ફેંકી ૬૩ રન આપ્યા હતા તો એક વિકેટ ખેડવી હતી. આ રીતે તેની ઈકોનોમી ૭.૮૭ રનની રહી હતી.
આજથી સ્ટેડિયમ પર વન-ડે મેચની ટિકિટનું વેચાણ
૨૭ સપ્ટેમ્બરે ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે રમાનારી વન-ડે મેચની ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે જ્યારે ઑફલાઈન ટિકિટનું વેચાણ આજથી શરૂ થશે. સવારે ૧૧થી સાંજે પાંચ વાગ્યા સુધી ક્રિકેટરસિકો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમની ટિકિટ વિન્ડો પર જઈને ટિકિટની ખરીદી કરી શકશે.
જો મેચ પહેલાં માધાપર બ્રિજ શરૂ નહીં થાય તો મચી જશે અફડાતફડી
ભારત-ઑસ્ટે્રલિયાની મેચ રમાય તે પહેલાં જો માધાપર બ્રિજ શરૂ કરવામાં નહીં આવે તો ભારે અફડાતફડી મચી શકે છે કેમ કે મોટાભાગનો ટ્રાફિક બ્રિજ પાસેથી જ પસાર થવાનો હોવાને કારણે બ્રિજ મેચ પહેલાં શરૂ કરવો જરૂરી બની જાય છે. જો કે તંત્ર દ્વારા આવતાં સપ્તાહે બ્રિજ ખુલ્લો મુકવાની જાહેરાત કરી દેવામાં આવી હોવાથી ક્રિકેટરસિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
ભારતની ટીમ હોટેલ સયાજી, ઑસ્ટે્રલિયા ફોર્ચ્યુનમાં ઉતરશે
ભારત-ઑસ્ટે્રલિયાની ટીમ ૨૫ સપ્ટેમ્બરને સોમવારે ઈન્દોરથી ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે રાજકોટ આવી પહોંચશે. અહીં ભારતની ટીમને હોટેલ સયાજી તો ઑસ્ટે્રલિયાને ફોર્ચ્યુનમાં ઉતારો અપાયો છે. બન્ને ટીમના ગ્રાન્ડ વેલકમ માટે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે.
રાજકોટ આવનારી ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગીલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કે.એલ.રાહુલ, ઈશાન કિશન, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, આર.અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સીરાજ
ઑસ્ટે્રલિયન ટીમ
પેટ કમીન્સ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, સ્ટિવ સ્મિથ, ડેવિડ વૉર્નર, કેમરુન ગ્રીન, માર્નસ લાબુશાને, મીચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, શીન અબોટ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લીસ, નાથન ઈલિસ, જોશ હેઝલવૂડ, સ્પેન્સર જોન્શન, તનવીર શાંઘા, મીચેલ સ્ટાર્ક, એડમ ઝેમ્પા