અફઘાને કર્યો મેજર અપસેટ : ન્યુઝીલેન્ડને ૮૪ રને હરાવ્યું
૧૬૦ રનના લક્ષ્યાંક સામે ન્યુઝીલેન્ડ ૭૫ રનમાં ઓલઆઉટ: રાશિદ-ફારૂકીની ચાર-ચાર વિકેટ
બેટિંગમાં રહમાનુલ્લાહ ગુરબાઝે ૫૬ દડામાં ઝૂડ્યા ૮૦ રન
ન્યુઝીલેન્ડ-અફઘાનિસ્તાન વચ્ચે ટી-૨૦ વર્લ્ડકપ-૨૦૨૪નો ૧૪મો મુકાબલો રમાયો હતો. ૧૬૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ ૭૫ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે જ અફઘાનિસ્તાને વર્લ્ડકપમાં મોટો ઉલટફેર કર્યો છે. આ મેચમાં ન્યુઝીલેન્ડના બેટરો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ડેવોન કૉનવે આઠ, ડેરિલ મીચેલ પાંચ, કેન વિલિયમસન નવ, માર્ક ચેપમેન ચાર, માઈકલ બ્રેસવેલ ૦, ગ્લેન ફિલિપ્સ ૧૮, મીચેલ સેન્ટનર ચાર, મૈટ હેનરી ૧૨, લૉકી ફર્ગ્યુસન બે રન જ બનાવી શક્યા હતા.
આ મુકાબલામાં અફઘાની બોલરો કાળ બનીને ત્રાટક્યા હતા. ફઝલહક્ક ફારૂકી અને રાશિદ ખાને ચાર-ચાર વિકેટ તો મોહમ્મદ નબીને બે વિકેટ મળી હતી. ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી અફઘાને ૨૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૧૫૯ રન બનાવ્યા હતા. રહમાનુલ્લાહ ગુરબાઝ અને ઈબ્રાહિમ જાદરાને ઝડપી શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે પહેલી વિકેટ માટે ૧૦૨ રનની ધમાકેદાર ભાગીદારી થઈ હતી. ટીમને પહેલો ઝટકો મેટ હેનરીએ આપ્યો હતો. જાદરાન ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૪૪ રન બનાવ્યા હતા. આ પછી અઝમતુલ્લાહ ઉમરજઈ ૨૨ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે ગુરબાઝે ૫૬ દડામાં ૮૦ રન બનાવ્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા