૨૭ વર્ષના જેક પૉલે માઈક ટાયસનને હંફાવી જીત્યા ૩૩૭ કરોડ : ટાયસને ૫૮ વર્ષની ઉંમરે પણ બતાવી ગજબ સ્ફૂર્તિ
દુનિયાના મહાન બૉક્સરોમાં સામેલ માઈક ટાયસનને ૨૭ વર્ષના બૉક્સર જેક પૉલે ઐતિહાસિક મુકાબલામાં હરાવ્યા હતા. આખા મુકાબલામાં પૉલ ટાયસન ઉપર ઉપર દબદબો બનાવી રાખ્યો હતો. તેણે ટાયસનના શરીર અને ચેહરા ઉપર જબદરસ્ત પંચ માર્યા અને મેચને ૮૦-૭૨, ૭૯-૭૩, ૭૯-૭૩થી પોતાના નામે કરી લીધો હતો. જો કે અંતમાં પૉલે ટાયસન સામે ઝૂકીને તેનું સન્માન કર્યું હતું. મેચની શરૂઆતમાં ૫૮ વર્ષીય ટાયસને જબદરસ્ત શરૂઆત કરી હતી પરંતુ પૉલે ચાલાકી વાપરીને તેને થકાવી દીધા હતા. અહેવાલો પ્રમાણે જેકને આ મુકાબલા માટે ૪૦ મિલિયન અમેરિકી ડોલર (૩૩૭ કરોડ રૂપિયા) મળશે જ્યારે ટાયસનને હારવા છતાં ૨૦ મિલિયન અમેરિકી ડોલર (૧૬૮ કરોડ રૂપિયા) મળશે.
જીત બાદ પૉલે કહ્યું કે આ મુકાબલો તેના માટે અત્યંત કપરો હતો. ટાયસન એક મહાન બૉક્સર છે અને એટલા માટે જ તેમને આ રમતના લેજન્ડ ગણવામાં આવી રહ્યા છે. ટાયસને પણ પૉલને એક ઉમદા ફાઈટર ગણાવ્યો હતો. તેણે કહ્યું કે પૉલે શ્રેષ્ઠ તૈયારી કરી હતી.