23 ઑગસ્ટથી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનો ધમાકેદાર પ્રારંભ
રાજકોટ, તા.3
સૌરાષ્ટ્રના ક્રિકેટરોને આઈપીએલ જેવું ઉમદા પ્લેટફોર્મ મળી રહે તે માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા દર વર્ષે ‘સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ’ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ વર્ષે ટૂર્નામેન્ટનો પ્રારંભ 15 જૂનથી થવાનો હતો પરંતુ બીપોરજોય નામનું વાવાઝોડારૂપી ગ્રહણ નડી જતાં તેને મોકુફ રાખવામાં આવી હતી જેની આજે નવી તારીખ જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ 23 ઑગસ્ટથી થશે જેનો ફાઈનલ મુકાબલો 31 ઑગસ્ટે રમાશે.
આ ટૂર્નામેન્ટમાં સોરઠ લાયન્સ, હાલાર હિરોઝ, કચ્છ વોરિયર્સ, ગોહિલવાડ ગ્લેડિયેટર્સ અને ઝાલાવાડ રોયલ્સ એમ પાંચ ટીમો ભાગ લેશે જેમાં સૌરાષ્ટ્રના ઉભરતા સીતારાઓ રમતાં જોવા મળશે. ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચ રમાશે જેમાં બે ડબલ હેડર મતલબ કે એક દિવસમાં બે મેચ રમાશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવભાઈ શાહે જણાવ્યું કે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ એએક પ્રખ્યાત ટી-20 ટૂર્નામેન્ટ છે. આ પ્રકારની ટૂર્નામેન્ટ અલગ-અલગ સ્ટેટ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પણ સમાવિષ્ટ છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્રના ક્રિકેટરોને એક ઉમદા પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ ટૂર્નામેન્ટ આયોજિત કરવામાં આવી રહી છે. આ ટૂર્નામેન્ટ થકી સૌરાષ્ટ્રના અનેક ખેલાડીઓને આઈપીએલ જેવી દિગ્ગજ ટૂર્નામેન્ટ રમવા મળી છે તે વાત પણ નોંધપાત્ર રહી છે.