૧૯ વર્ષના સૌમી પાંડેનો આફ્રિકામાં તરખાટ: હેટ્રિક સાથે ૬ વિકેટ ખેડવી
આદર્શની શાનદાર સદી: ટીમ ઈન્ડિયાની ૬ વિકેટે જીત
ભારતની સીનિયર ક્રિકેટ ટીમને આફ્રિકામાં યજમાન ટીમ સામે બૉક્સિંગ-ડે ટેસ્ટમાં કારમો પરાજય મળ્યો છે. આ પ્રવાસે અત્યારે ઈન્ડિયા `એ’ અને ભારતની જુનિયર અન્ડર-૧૯ ટીમ પણ મુકાબલા કરી રહી છે. ટ્રાઈ નેશન ટૂર્નામેન્ટમાં ભારતની અન્ડર-૧૯ ટીમે સૌમી પાંડેની હેટ્રિકના દમ પર અફઘાન ટીમ પર ૬ વિકેટે દમદાર જીત મેળવી હતી. પહેલાં બેટિંગ કરતાં ભારત સામે અફઘાન ટીમ ૧૯૮ રને ઢેર થઈ ગઈ હતી. જવાબમાં આદર્શ સિંહની સદીની મદદથી ૪ વિકેટના ભોગે ભારતે જીત હાંસલ કરી હતી.
આફ્રિકામાં અત્યારે ભારત, આફ્રિકા અને અફઘાનની અન્ડર-૧૯ ટીમ વચ્ચે ટ્રાઈનેશન ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. જોહાનિસબર્ગમાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. ૧૯ વર્ષીય સ્પીનર સૌમી પાંડેએ આ મેચમાં હેટ્રિક સહિત કુલ ૬ વિકેટે ખેડવી હતી. તેણે ૧૭મી ઓવરમાં સળંગ ત્રણ વિકેટ લઈને ઈતિહાસ રચી દીધો હતો. તેણે આ મુકાબલામાં ૧૦ ઓવરમાં ૨૯ રન આપીને ૬ વિકેટ મેળવી હતી. આ ઉપરાંત ભારત વતી ઓપનર આદર્શે ૧૦૭ દડામાં ૧૫ ચોગ્ગા અને ૨ છગ્ગાની મદદથી અણનમ ૧૧૨ રનની ઈનિંગ રમી ટીમને જીતના દરવાજા સુધી પહોંચાડી દીધી હતી.