ભારત-પાકિસ્તાન મેચની વધુ ૧૪૦૦૦ ટિકિટ મિનિટોમાં ખતમ’
બપોરે ૧૨ વાગ્યાથી વેચાણ શરૂ કર્યું'ને થોડી જ વારમાં બધી વેચાઈ પણ ગઈ ! ક્રિકેટરસિકોમાં નિરાશા
અમદાવાદ બીસીસીઆઈએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ માટે વધુ ૧૪૦૦૦ ટિકિટ વેચવા કાઢી હતી જેનું વેચાણ શરૂ થતાં જ મિનિટોમાં પૂર્ણ થઈ જતાં અનેક ક્રિકેટરસિકોને નિરાશા સાંપડી છે. બીસીસીઆઈએ આ ટિકિટનું વેચાણ ૮ ઑક્ટોબરે બપોરે ૧૨ વાગ્યાથી શરૂ કર્યું હતું પરંતુ થોડી જ વાર બાદ વેબસાઈટ પર ટિકિટ ખરીદવાનો પ્રયાસ કરવામાં આવતાં અનેકને નિષ્ફળતા સાંપડી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમુક અમુક ટિકિટ માટે તો
સોલ્ડ આઉટ’ મતલબ કે ટિકિટ વેચાઈ ગઈ છે તેવું જ લખાણ લખેલું આવી રહ્યું હતું.
ક્રિકેટરસિકોએ ઘણી વખત પ્રયાસ કર્યો છતાં ટિકિટ મળી ન શકતાં અંતે થાકી-હારીને ટિકિટ ખરીદવાનું જ માંડી વાળ્યું હતું !
બોર્ડે ત્રીજી વખત ટિકિટ રિલિઝ કરવાનો નિર્ણય ક્રિકેટરસિકોની નારાજગી બાદ લીધો હતો. ભારતીય બોર્ડે વર્લ્ડકપની શરૂઆત પહેલાં ઑગસ્ટના અંતમાં વર્લ્ડકપની ચાર લાખ ટિકિટ રિલિઝ કરી હતી જે મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી જેના કારણે ક્રિકેટરસિકો ભડક્યા હતા અને સોશ્યલ મીડિયા પર બીસીસીઆઈની ઝાટકણી કાઢી હતી. આ પહેલાં ૩ સપ્ટેમ્બરે ભારત-પાક. મેચની ટિકિટ વેચાઈ હતી. પહેલાં તો ટિકિટ વેચાણ વેબસાઈટની હોમ સ્ક્રીન રિફ્રેશ થઈ રહી હતી પરંતુ થોડી જ વારમાં ટિકિટ સોલ્ડ આઉટ થવાની જાણકારી અપાઈ હતી આવામાં કોઈને ટિકિટ ખરીદવાની તક મળી ન્હોતી.