0.02 મીટરથી ચેમ્પિયન બનતાં રહી ગયો નીરજ
ડાયમંડ લીગમાં સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડા બીજા ક્રમે રહ્યો
ભારતના ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડા ડાયમંડ લીગ જીતવાથી ચૂકી ગયો છે. દોહામાં રમાયેલી ટૂર્નામેન્ટમાં નીરજ બીજા ક્રમે રહ્યો હતો. નીરજે પોતાના છઠ્ઠા પ્રયાસમાં ૮૮.૩૬ મીટર દૂર ભાલો ફેંક્યો જે તેનો બેસ્ટ થ્રો રહ્યો હતો. ચેક રિપબ્લીકના જૈકબ વાડલેચે (૮૮.૩૮ મીટર) પહેલાં અને એન્ડરસન પીટર્સ (ગ્રેનાડા) ત્રીજા ક્રમે રહ્યો હતો. દોહામાં નીરજ ચોપડાની શરૂઆત ખરાબ રહી હતી. તેનો પ્રથમ થ્રો ફાઉલ રહ્યો હતો જ્યારે બીજો થ્રો ૮૪.૯૩ મીટર હતો. ત્રીજા પ્રયાસમાં તેણે ૮૬.૨૪ મીટર દૂર ભાલો ફેંક્યો હતો. ચોથો પ્રયાસ ૮૬.૧૮ મીટર અને પાંચમો પ્રયાસ ૮૨.૨૮ મીટર રહ્યો હતો. અંતિમ પ્રયાસમાં નીરજે વાડલેચને પછાડવાનો પૂરો પ્રયત્ન કર્યો પરંતુ તે ૦.૦૨ મીટરથી પહેલું સ્થાન હાંસલ કરવાની ચૂકી ગયો હતો. ઉલ્લેખનીય છે કે નીરજ ચોપડાનો સર્વેશ્રેષ્ઠ થ્રો ૮૯.૯૪ મીટર છે. જ્યારે એશિયન ગેમ્સના સીલ્વર મેડલ વિજેતા કિશોર જેનાએ પણ ડાયમંડ લીગમાં ડેબ્યુ કર્યું હતું પરંતુ તે નવમા ક્રમે રહ્યો હતો. તેનો સર્વેશ્રેષ્ઠ થ્રો ૭૬.૩૧ મીટર રહ્યો હતો. ડાયમંડ લીગનો બીજો તબક્કો ૧૯ મેએ મોરક્કોમાં થશે.