૨૭ દડામાં સદી, એક ઈનિંગમાં ૧૮ છગ્ગા: બેટરે લાવ્યું રનતોફાન
ભારતીય મુળના સાહિલ ચૌહાણે અનેક રેકોર્ડ તોડ્યા
ટી-૨૦ વર્લ્ડકપ વચ્ચે એક અજાણ્યા ક્રિકેટરે રનતોફાન લાવી દીધું છે. એસ્તોનિયા ટીમ વતી રમતાં એક બેટરે ૨૭ દડામાં સદી અને ૪૧ દડામાં ૧૪૪રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે ૧૮ છગ્ગા પણ લગાવ્યા હતા. આ બેટરનું નામ સાહિલ ચૌહાણ છે જે હવે ઈતિહાસમાં નોંધાઈ ચૂક્યું છે.
એસ્ટોનિયા અને સાઈપ્રસ વચ્ચેની મેચમાં સાઈપ્રસે પહેલાં બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૧૯૧ રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં એસ્તોનિયાએ ૯ રનની અંદર ૨ વિકેટ ગુમાવી દીધી હતી. અલી મસૂદના રન આઉટ થયા બાદ સાહિલ ચૌહાણ ક્રિઝ પર આવ્યો હતો. તેણે ચોથા નંબરે બેટિંગ કરતાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો. તેની આ ઈનિંગની મદદથી એસ્ટોનિયાએ ૧૩ ઓવરમાં જ ૪ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સાહિલે ૪૧ દડામાં ૧૪૪ રનની અણનમ ઈનિંગ રમી હતી. તેણે ૪૧ દડામાંથી ૨૪ દડામાં બાઉન્ડ્રી લગાવી હતી જેમાં ૧૮ છગ્ગા સામેલ છે. આ સાથે જ એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ પણ તેણે તોડી નાખ્યો છે. અગાઉ આ રેકોર્ડ અફઘાનિસ્તાનના હઝરતુલ્લાહ ઝઝઈ (૧૬)ના નામે હતો.
સાહિલે ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ પહેલાં નામીબિયાના યાન-નિકોલ લૉફ્ટી ઈટનના નામે હતો. તેણે ૩૩ દડામાં સદી બનાવી હતી જ્યારે સાહિલે ૨૭ દડામાં સદી પૂર્ણ કરી હતી.