૨૦૨૫થી રોહિત CSKનો કેપ્ટન !
જેવો ધોની નિવૃત્ત થશે કે રોહિતની ચેન્નાઈ સુપરકિંગ્સમાં થશે એન્ટ્રી
આઈપીએલમાં રોહિત શર્માની કેપ્ટનશિપનો રેકોર્ડ અત્યંત શાનદાર રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે થોડા દિવસ પહેલાં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કમાન સોંપી હતી. પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ આ નિર્ણયના થોડા મહિના બાદ મોટું નિવેદન આપ્યું છે. રાયડુનું કહેવું છે કે રોહિત શર્મા આવનારા સમયમાં ચેન્નાઈ સુપરકિંગ્સ વતી રમી શકે છે. આવું ત્યારે બનશષ જ્યારે મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટમાંથી નિવૃત્ત થશે.
અંબાતી રાયડુએ કહ્યું કે હું ઈચ્છુ છું કે રોહિત શર્મા ૨૦૨૫માં ચેન્નાઈ સુપરકિંગ્સ વતી રમે. જો ધોની નિવૃત્ત થાય છે તો રોહિત ચેન્નાઈ ટીમની કમાન પણ સંભાળી શકે છે. રોહિત શર્મા હજુ આગામી પાંચથી છ વર્ષ સુધી આઈપીએલમાં રમી શકે છે અને જ્યાં મન કરે ત્યાં કેપ્ટનશિપ કરી શકે છે.
રોહિત શર્માને ૨૦૧૩માં રિકી પોન્ટીંગની જગ્યાએ ટીમનો કેપ્ટન બનાવાયો હતો. મહાન બેટર સચિન તેંડુલકરની નિવૃત્તિ બાદ રોહિતે પહેલી વખત ટીમને ચેમ્પિયન બનાવી હતી ત્યારથી અત્યાર સુધી રોહિત શર્માએ ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું અને તેની આગેવાનીમાં જ હાર્દિક પંડ્યા એક અનકેપ્ડ પ્લેયરથી ઑલરાઉન્ડર બનીને ઉભરી આવ્યો છે.
