૧૬ દડામાં ફિફટી બનાવનાર અભિષેક શર્માને ચપ્પલથી મારશે યુવરાજસિંઘ !
આઈપીએલમાં હૈદરાબાદ વતી મુંબઈ ઉપર કહેર બની ત્રાટકનારા અભિષેક શર્માએ ૧૬ દડામાં ફિફટી ઝૂડી બોલરોનું કચુંબર કાઢી નાખ્યું હતું. જો કે ભારતીય ટીમના સિક્સર કિંગ યુવરાજસિંઘના નામે ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં બીજી સૌથી ઝડપી ફિફટીનો રેકોર્ડ નોંધાયેલો છે. ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડકપ દરમિયાન તેણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ છ દડામાં છ છગ્ગા લગાવીને માત્ર ૧૨ દડામાં ફિફટી બનાવી હતી. હવે આઈપીએલમાં ૧૬ દડામાં ફિફટી બનાવીને અભિષેક શર્માએ પોતાના ગુરુને સલામ કરી છે. જો કે યુવરાજ પોતાના ચેલા અભિષેકનું સ્વાગત ચપ્પલથી કરશે ! અભિષેક શર્માની આ ઈનિંગને જોયા બાદ યુવરાજે ટવીટ કર્યું કે વાહ સર, અભિષેક વાહ. કમાલની ઈનિંગ પરંતુ આઉટ થવા માટે શું ગજબ શૉટ લગાવ્યો છે ! લાતોના ભૂત વાતોથી માનતા નથી. હવે ખાસ ચપ્પલ તમારી રાહ જોઈ રહ્યા છે. પંજાબથી આવનારા અભિષેક શર્માની રમતને ધારદાર બનાવવામાં યુવરાજ સિંહનો મોટો રોલ છે. યુવીને અભિષેક, શુભમન ગીલ અને ગુરકિરત માનનો મેન્ટોર ગણવામાં આવે છે.