હેડની તોફાની ફિફટી: એબટ-જેમ્પાની ધારદાર બોલિંગ: ઑસ્ટે્રલિયા જીત્યું
પહેલી ટી-૨૦માં ઈંગ્લેન્ડનો ૨૮ રને પરાજય
ઑસ્ટે્રલિયાએ ઈંગ્લેન્ડને ત્રણ મેચની ટી-૨૦ શ્રેણીની પહેલી મેચમાં ૨૮ રને હરાવીને શ્રેણીમાં ૧-૦થી આગેકૂચ કરી છે. ઑસ્ટે્રલિયાની જીતમાં ઓપનર ટે્રવિસ હેડ, મેથ્યુ શોર્ટ, ફાસ્ટ બોલર સીન એબટ અને લેગ સ્પીનર એડમ ઝેમ્પાનું મહત્વનું યોગદાન રહ્યું હતું. હેડ અને શોર્ટે ૬ ઓવરમાં ૮૬ રનની ઓપનિંગ ભાગીદારી કરી પરંતુ ત્યારબાદ ૯૩ રનમાં તમામ વિકેટ ગુમાવી દીધી હતી.
ઈંગ્લેન્ડની યજમાનીમાં રમાઈ રહેલી આ શ્રેણીની પહેલી મેચ વરસાદને કારણે મોડેથી શરૂ થઈ હતી. ઑસ્ટે્રલિયાએ પહેલાં બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં ૧૭૬ રન બનાવ્યા હતા. હેડે ૨૩ બોલમાં ૫૯ અને મેથ્યુ શોર્ટે ૨૬ બોલમાં ૪૧ રન બનાવ્યા હતા. આ બન્ને ઉપરાંત જોશ ઈંગ્લીસે ૨૭ બોલમાં ૩૭ રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ માટે લિયન લિવિંગસ્ટોને ૩, આર્ચર-મહમૂદે ૨-૨ વિકેટ મેળવી હતી.
જવાબમાં ઈંગ્લેન્ડ ૧૫૧ રન જ બનાવી શક્યું હતું. તેના વતી લિયમ લિવિંગસ્ટોને સૌથી વધુ ૩૭ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ફિલ સોલ્ટે ૨૦, સૈમ કરને ૧૮, જોર્ડન કોક્સે ૧૭, જેમી ઓવર્ટને ૧૫ અને શાકિબ મહમૂદે ૧૨ રન બનાવ્યા હતા.