હુ ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટથી 11.45 કરોડ નથી કમાતો-કોહલી તો કેટલા કમાવ છો ? : વિરાટ કોહલી
સોશ્યલ મીડિયા પર વહેતા થયેલા અહેવાલને ખોટો ગણાવતો વિરાટ કોહલી જો કે એક પોસ્ટ બદલ કેટલી કમાણી કરે છે તેનો ફોડ ન પાડ્યો
વિરાટ કોહલીએ પોતાની સોશ્યલ મીડિયા કમાણી અંગે વહેતા થયેલા અહેવાલને ખોટો ગણાવ્યો છે. સોશ્યલ મીડિયા માર્કેટિંગ પ્લેટફોર્મ હૉપર એચક્યુ દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક સ્પોન્સર પોસ્ટ માટે ૧૧.૪૫ કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યો છે.
અહેવાલ પ્રસિદ્ધ થયાના એક દિવસ બાદ ૩૪ વર્ષીય કોહલીએ પોતાની સોશ્યલ મીડિયાની કમાણીના આંકડાને ખોટો ગણાવ્યો છે. આ વાતનો ખુલાસો તેણે ખુદ સોશ્યલ મીડિયાના સૌથી ચર્ચિત પ્લેટફોર્મ ટવીટર ઉપર કર્યો છે. તેણે કહ્યું કે સોશ્યલ મીડિયા પર તેની કમાણીના જે સમાચારો ચાલી રહ્યા છે તે સદંતર ખોટા છે. સાથે સાથે તેમણે લખ્યું કે મને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તેના માટે હું આભારી અને ઋણી છું પરંતુ મારી સોશ્યલ મીડિયા કમાણી અંગે જે સમાચારો ચાલી રહ્યા છે તે સાચા નથી.
હૉપર એચયુના રિપોર્ટમાં સૌથી અમીર ઈન્સ્ટાગ્રામ હસ્તીઓ અને ફોટો શેયરિંગ પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટ માટે તે કેટલો ચાર્જ કરે છે તેનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ યાદીમાં દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટોચ પર છે જે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે ૩,૨૩૪,૦૦૦ ડોલર (૨૬.૮ કરોડ રૂપિયા) ચાર્જ કરે છે. તેના પછી વર્લ્ડકપ-૨૦૨૨ના વિજેતા ફૂટબોલર લિયોનલ મેસ્સી છે જે હૉપર એચક્યુ પ્રમાણે પ્રત્યેક સ્પોન્સર પોસ્ટ માટે ૨૫૯૭,૦૦૦ ડોલર (૨૧ કરોડ રૂપિયા) લ્યે છે. જ્યારે વિરાટ કોહલી ટોપ-૨૫માં જગ્યા બનાવનારો એકમાત્ર ભારતીય હતો જે આ યાદી પ્રમાણે ૧૪મા ક્રમે હતો.