હવે સ્ટમ્પ `કાચીડા’ની જેમ બદલશે રંગ !
વૉઈસ ઑફ ડે, નવીદિલ્હી
ક્રિકેટને વધુમાં વધુ આધુનિક બનાવવા માટે સતત પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. ક્રિકેટમાં આ પ્રકારના પ્રયોગ ખાસ કરીને ઑસ્ટે્રલિયાની બિગ બેશ લીગમાં ખૂબ જોવા મળે છે. પાછલી અનેક સીઝનથી આ લીગમાં કઈને કઈ નવું કરવામાં આવી રહ્યું છે. ક્યારેક ટોસની જગ્યાએ બેટ ઉછાળવું તો ક્યારેક સ્ટમ્પનું કાચીડાની જેમ રંગ બદલવા સહિતના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.
આવું જ કંઈક ફરીવાર કરવામાં આવ્યું છે. બીગબેશ લીગમાં હવે ક્રિકેટ મેચ દરમિયાન એક નવા સ્ટમ્પનો ઉપયોગ કરવામાં આવશે જે ઘણો જ અનોખો છે. બીબીએલમાં જે નવા સ્ટમ્પને લગાવાયા છે તેનું નામ ઈલેક્ટ્રા છે. આ સ્ટમ્પની ખાસિયત એ છે કે મેદાન પર કઈ પણ થશે તો તે પોતાનો રંગ બદલી નાખશે ! બેટર જો ચોગ્ગો કે પછી છગ્ગો લગાવશે તો સ્ટમ્પ તેનો રંગ બદલી નાખશે. આવી જ રીતે વિકેટ પડે તો સ્ટમ્પનો કલર અલગ હશે અને નો-બોલ ફેંકાશે તો તેનો કલર અલગ થઈ જશે. આ પ્રયોગ અલગ પ્રકારનો રોમાંચ ઉભો કરી રહ્યું છે. આ પહેલાં બીબીએલમાં જ લાઈટીંગ સ્ટમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે હવે આંતરરાષ્ટ્રીય મેચમાં પણ વપરાઈ રહ્યા છે.
કેવી રીતે રંગ બદલશે ?
ઈલેક્ટ્રા સ્યમ્પમાં એક ખાસ પ્રકારની એલઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેચ દરમિયાન જો કોઈ બેટર આઉય થાય છે તો સ્ટમ્પનો રંગ પહેલાં લાલ હશે અને બાદમાં તેના આગવાળી આકૃતિ આવી જશે. જો કોઈ બેટરે ચોગ્ગો લગાવ્યો તો સ્ટમ્પનો કલર બદલાઈ જશે. આવી જ રીતે છગ્ગો લાગશે તો દરેક પ્રકારના રંગ એક સાથે ચકમક કરવા લાગશે. જો કોઈ બોલર નો-બોલ ફેંકશે તો લાલ અને સફેદ કલર સ્ટમ્પ ઉપર થઈ જશે. ઓવર વચ્ચે અથવા રમત અટકશે તો પર્પલ અને બ્લુ રંગ જોવા મળશે.