સૂર્યકુમાર યાદવ ઈઝ બેક
ડિસેમ્બરથી ક્રિકેટથી દૂર થઈ ગયેલો સૂર્યકુમાર આજે મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાશે
આઈપીએલ-૧૭માં હજુ સુધી જીતનું ખાતું નહીં ખોલાવી શકનારી મુંબઈ ઈન્ડિયન્સ માટે રાહતના સમાચાર આવ્યા છે. ટીમના મુખ્ય બેટર સૂર્યકુમાર યાદવ આઈપીએલમાં રમવા માટે તૈયાર છે. તેને નેશનલ ક્રિકેટ એકેડેમી તરફથી પરવાનગી મળી ગઈ છે અને તે આજે ટીમ સાથે જોડાઈ જશે. સૂર્યા અત્યારે ટી-૨૦માં દુનિયાનો નંબર વન બેટર છે.
સૂર્યકુમાર પાછલા વર્ષે ડિસેમ્બરમાં દક્ષિણ આફિઽકા સામે રમાયેલી ટી-૨૦ શ્રેણી દરમિયાન સદી બનાવ્યા બાદથી ક્રિકેટ રમી રહ્યો નથી. એ શ્રેણીમાં તેને પગમાં ઈજા પહોંચી હતી જેનું ઓપરેશન કરાયું હતું. આ પછી તેને સ્પોર્ટસ હર્નિયાની સમસ્યા પણ થઈ હતી જેના કારણે તેની વાપસીમાં વિલંબ થયો છે. અત્યારે તે બેંગ્લોરમાં એનસીએની દેખરેખ હેઠળ પ્રેક્ટિસ કરી રહ્યો છે.
સૂર્યકુમાર યાદવ હવે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાનારી આગલી મેચની તૈયારી માટે ટીમ સાથે આજે જોડાશે. આ મેચ ૭ એપ્રિલે બપોરે રમાશે. ટીમ મેનેજમેન્ટ નેટ સેશનમાં ફિટનેસના આધારે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાનો નિર્ણય લેશે.