સનરાઈઝર્સ હૈદરાબાદે ૨૦ કરોડના પેટ કમીન્સને સોંપી ટીમની કમાન
માર્કરમને હટાવાયો: વધુ એક સીઝનમાં કેપ્ટનશિપમાં થયેલો ફેરફાર
સનરાઈઝર્સ હૈદરાબાદે ઓસ્ટે્રલિયાના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન પેટ કમીન્સને આઈપીએલ-૨૦૨૪ માટે ટીમનો કેપ્ટન બનાવ્યો છે. પાછલી બે સીઝથી ટીમ એડેન માર્કરમની આગેવાનીમાં રમી રહી હતી પરંતુ નિરાશાજનક પ્રદર્શન બાદ કેપ્ટનશિપમાં ફેરફાર કરાયો છે. હરાજીમાં હૈદરાબાદની માલિક કાવ્યા મારને પેટ કમીન્સ ઉપર ૨૦.૫૦ કરોડ રૂપિયાની ભારે-ભરખમ બોલી લગાવી હતી. કમીન્સે ઓસ્ટે્રલિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતાડ્યા બાદ પાછલા વર્ષના અંતમાં વન-ડે વર્લ્ડકપ અપાવ્યો હતો. આમ તો એડેન માર્કરમે એસએ-૨૦માં સનરાઈઝર્સ હૈદરાબાદની માલિકીની ટીમને ચેમ્પિયન બનાવી છે પરંતુ પાછલા આઈપીએલમાં ટીમનું પ્રદર્શન અત્યંત નબળું રહેવાને કારણે કમીન્સને કમાન સોંપાઈ છે. પાછલી સીઝન સુધી કોલકત્તાનો હિસ્સો રહેલા કમીન્સે માત્ર ૧૪ દડામાં આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી ફિફટી બનાવી હતી.
