શ્વાસ થંભાવી દેનારી મેચમાં દક્ષિણ આફ્રિકા નેપાળ સામે ૧ રને જીત્યું
૧૧૫ રન સામે નેપાળ ૧૧૪ રન જ બનાવી શક્યું: છેલ્લા દડા સુધી મેચ રહી રોમાંચક
સાઉથ આફ્રિકા-નેપાળ વચ્ચે ટી-૨૦ વર્લ્ડકપની એકદમ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચ અંતિમ દડા સુધી શ્વાસ થંભાવી દેનારી હતી જેમાં આફ્રિકાએ એક રને જીત હાંસલ કરી હતી. એક સમયે લાગી રહ્યું હતું કે નેપાળની ટીમ આ મેચ જીતી જશે પરંતુ અંતમાં બાજી આફ્રિકાએ મારી હતી.
બન્ને ટીમ પહેલી વખત કોઈ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં એકબીજા સામે રમી રહી હતી. આફ્રિકાએ પહેલાં બેટિંગ કરતાં ૭ વિકેટે ૧૧૫ રન બનાવ્યા હતા. જવાબમાં નેપાળની ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૧૪નો સ્કોર બનાવી શકી હતી. નેપાળને અંતિમ છ દડામાં આઠ રનની જરૂર હતી. એડેન માર્કરને બોલિંગની કમાન ઓટનીલ બાર્ટમેનને આપી હતી. ૧૯ ઓવર પૂરી થઈ ત્યાં સુધીમાં નેપાળ ટીમનો સ્કોર ૧૦૮/૬ હતો. એ સમયે સોમપાલ કામી (આઠ રન) અને ગુલશન ઝા ક્રિઝ પર હતા.
અંતિમ બે દડામાં નેપાળની ટીમે જીત માટે એક દડામાં બે રનની જરૂર હતી પરંતુ ગુલશન ઝા દડા સાથે બેટનો ભેટો કરાવી શક્યો ન્હોતો. આ પછી વિકેટકિપર ક્વિન્ટન ડીકોકે દડો નોન સ્ટ્રાઈકર એન્ડ પર ફેંક્યો અને હેનરિક ક્લાસેને ગુલશન ઝાને રનઆઉટ કર્યો હતો. જો કે એક વખત નેપાળ ટીમે આફ્રિકાના શ્વાસ થંભાવી દીધા હતા.