શ્રેયસ અય્યર: રોહિત બધાને બેફામ ગાળો જ ભાંડે છે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં બન્ને ખેલાડીઓએ ખોલ્યા એકબીજાના રાઝ': ભારતીય ટીમના ખેલાડીઓઆળસું’ હોવાનો રોહિતનો ટોણો
અય્યરે કહ્યું, રોહિત એક વાક્ય બોલે તેમાં બે ગાળ હોય છે !
ભારતીય ટીમના ક્રિકેટરોની અંગત જીવનશૈલી વિશે જાણવામાં સૌ કોઈને રસ હોય છે. જો કે ભાગ્યે જ ખેલાડીઓના મોઢેથી `અંદર’ની વાત બહાર આવતી હોય છે. અત્યારે આઈપીએલ રમાઈ રહી છે તે બધાની વચ્ચે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને બેટર શ્રેયસ અય્યર ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના મહેમાન બન્યા હતા. અહીં બન્ને વચ્ચે મીઠી નોકઝોક પણ જોવા મળી હતી. ખાસ કરીને શ્રેયસ અય્યરે રોહિત શર્મા પર એવો આક્ષેપ કર્યો હતો કે તે (રોહિત) ટીમના ખેલાડીઓને ગમે ત્યારે બેફામ ગાળો જ ભાંડ્યે રાખે છે ! આ વાતનો જવાબ આપતાં રોહિત શર્માએ કહ્યું તમે લોકો સુધરી જાઓ તો ગાળ આપીશ જ નહીં !
આ ઉપરાંત રોહિત શર્માએ ટીમના ખેલાડીઓને આળસું પણ કહી દીધા હતા જેનો અય્યરે હસતાં હસતાં સ્વીકાર પણ કર્યો હતો સાથે સાથે ફરી રોહિત પર કટાક્ષ કરતાં કહ્યું કે રોહિત એક વાક્ય બોલે તો તેમાં બે ગાળ સામેલ હોય છે !
આ બન્ને વચ્ચે તું તું મેં મેં થઈ રહી હતી ત્યારે જ રોહિત શર્માને કપિલ શર્માએ વર્લ્ડકપ વિશે પૂછતાં માહોલ થોડો ગંભીર બન્યો હતો. વર્લ્ડકપ અંગે વાત કરતા રોહિતે કહ્યું કે ફાઈનલ મેચના બે દિવસ પહેલાં અમે લોકો અમદાવાદમાં હતા. ટીમનો માહોલ ખૂબ જ સારો હતો. ફાઈનલની શરૂઆત પણ અમે સારી હતી. શુભમન ગીલ ઝડપથી આઉટ થયા બાદ મારા અને કોહલી વચ્ચે થોડી ભાગીદારી પણ થ, હતી. જ્યારે તમે એક ફાઈનલ મુકાબલો રમતા હોવ ત્યારે તમારા માટે મોટો સ્કોર બનાવવાનો પડકાર આવી જાય છે. જો કે મોટો સ્કોર બનાવી ન શક્યા કેમ કે એ દિવસે ઓસ્ટે્રલિયાએ સારી રમતનું પ્રદર્શન કર્યું હતું.
