શનિવારથી રાજકોટમાં સ્ટાર ખેલાડીઓ વચ્ચે જામશે વન-ડે મુકાબલા
વિજય હઝારે ટ્રોફીની પ્રિ-ક્વાર્ટર, ક્વાર્ટર, સેમિફાઈનલ અને ફાઈનલ મેચ રાજકોટમાં રમાશે: ગુજરાત, બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, વિદર્ભ, કર્ણાટક સહિતની ટીમ વચ્ચે થશે ટક્કર
વૉઈસ ઑફ ડે, રાજકોટ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા આયોજિત વિજય હઝારે વન-ડે ટ્રોફી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. શનિવારથી આ ટૂર્નામેન્ટના નોકઆઉટ મુકાબલા રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (એસસીએ) સ્ટેડિયમ પર એ' અને
બી’ ગ્રાઉન્ડ પર રમાશે. ૯ ડિસેમ્બરથી ૧૬ ડિસેમ્બર વચ્ચે ટૂર્નામેન્ટના પ્રિ-ક્વાર્ટર, ક્વાર્ટર, સેમિફાઈનલ અને ફાઈનલ સહિત ૯ મેચ રમાશે જેમાં ગુજરાત, બંગાળ, કેરળ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, વિદર્ભ, મુંબઈ, તમીલનાડુ સહિતની ટીમો ભાગ લેશે. આ તમામ ટીમોમાં એક એકથી ચડિયાતા સ્ટાર ખેલાડીઓ હોવાથી મુકાબલા રોમાંચક બની રહેવાની પૂરેપૂરી શક્યતા છે. પ્રિ-ક્વાર્ટર અને ક્વાર્ટર ફાઈનલ સવારે ૯ વાગ્યાથી જ્યારે બે સેમિફાઈનલ અને ફાઈનલ મુકાબલો બપોરે ૧:૩૦ વાગ્યાથી શરૂ થશે. સૌરાષ્ટ્ર આ ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ હતી જે ગત વર્ષે ચેમ્પિયન બની હતી પરંતુ આ વર્ષે તે ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.