વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટરોના નામ ભારતીયોના જેવા કેમ?
ક્રિકેટની સીઝન આપણે ત્યાં પૂરી થતી નથી. આઇપીએલ પછી બીજી ટુર્નામેન્ટ શરૂ થાય અને એના પછી વર્લ્ડ કપના પડઘમ સંભળાવવા લાગે. આ વખતે ભારત-પાકિસ્તાન મેચ આપણાં ગુજરાતમાં છે એ જાણીને ગુજરાતીઓ વધુ થનગની રહ્યા છે. અમદાવાદ આખું પેકડ થઈ ગયું છે, એડવાન્સમાં. વર્લ્ડ કપ ખેલવા માટે કયા દેશોની ટીમ કવોલિફાય થઈ અને કવોલીફાય નથી થઈ તેની ઉપર આપણાં સૌનું ધ્યાન છે. વર્લ્ડ કપ સંબંધિત સમાચાર તો આપણને મળતા રહે છે. પણ ક્રિકેટની વાત આવે ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સર્વોચ્ચ વિજેતા રહેનારી ટીમ વેસ્ટ ઇન્ડીઝ યાદ આવે જ. એક જમાનો હતો કે તે ટીમનો દબદબો રહેતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમ મેચ રમવા આવી છે એ જાણીને જ નાની-મોટી ટીમના મોતિયા મરી જતા. વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમની ટેકનિકલ દૃષ્ટિકોણથી ઘણી ખાસિયતો હશે પણ એક હકીકત ઊડીને આંખે વળગે છે. તે છે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના ક્રિકેટરોના નામ. જે ભારતીય જેવા લાગે છે. એવું કેમ?
ચંદરપોલ, રામનરેશ સરવન, સુનીલ નારીન, ચરણ સિંઘ – આ બધ ક્રિકેટરો વેસ્ટ ઈન્ડિઝના છે. પણ નામો ભારતીય જ લાગે. કેરેબિયન ટાપુસમૂહ અને ભારત વચ્ચે સાલો સે પુરાના નાતા હૈ! કેટલાય ભારતીયો સદીઓથી કેરેબિયન દ્વીપસમૂહ અવરજવર કરે છે. ઓગણીસમી અને વીસમી સદી દરમિયાન પંદર લાખ ભારતીયો તે ટાપુસમૂહ ઉપર રોજગાર માટે ગયા હતા. ત્યાં મોટા ભાગના ભારતીયો ખેતમજૂરો હતા. ખેતરોમાં કામ કરતા. આખો ભારતીય પરિવાર પારકા ખેતરોમાં કામ કરતો. હવે આવડી મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં કેમ કામ કરવા જતાં? કારણ કે ગુલામીપ્રથાનો અંત આવી ગયેલો. ખેતરોમાં કામ કરતા વેઠીયાઓને બદલે હવે મહેનતાણું માંગતા મજૂરો આવ્યા. આફ્રિકન ગુલામોને પરત મોકલવામાં આવ્યા. મજૂરો ક્યાંથી મળે? ભારતમાંથી. તો ભારતમાંથી લાખો લોકો ત્યાં પહોંચ્યા કારણ કે ત્યાં નિયમિત રોજગારી મળે એમ હતી.
મુખ્યત્વે બિહાર અને બ્રિટિશ ઈન્ડિયામાંથી ભારતીયો ત્યાં પહોંચ્યા. અમુક લોકોને બ્રિટિશ સલ્તનતે મોકલ્યા. અમુક ભારતીયો સ્વેચ્છાએ ગયા કારણ કે અહીં બહુ જ ગરીબી હતી. ત્યાં ખૂબ મજૂરી કરવી પડતી. કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હોવા છતાં મોટા ભાગના ભારતીયોએ પરત ન ફરવાનો નિર્ણય કર્યો. ત્રિનિદાદ, ગુયાના અને સુમારીન ટાપુઓ ઉપર ભારતીયો બહુમતીમાં રહ્યા. તે લોકો ત્યાં જ રહ્યા અને તેમનો વંશવેલો ચાલુ રહ્યો. આ ભારતીયોએ પોતાની સંસ્કૃતિ છોડી નહી. માટે વેસ્ટ ઇન્ડીઝના ઘણા લોકોના ફક્ત નામ જ નહી પણ ખોરાક, રીતરિવાજ અને ધાર્મિક વિધિવિધાનમાં પણ બહુ સમાનતા રહી