વિશ્વ ક્રિકેટના ફાઈવ સ્ટાર’ ખેલાડી બન્યાપનોતી’ !
જેમના પર સૌની નજર હતી તે સ્ટાર બેટરોએ ચાહકોની સાથે જ ટીમને પણ કરી નિરાશ
આઈપીએલ-૧૭ના અત્યાર સુધીમાં ૧૮ મુકાબલા રમાઈ ચૂક્યા છે. જો કે વિશ્વ ક્રિકેટના પાંચ સ્ટાર ખેલાડી એવા છે જે પોતાની ટીમ માટે `પનોતી’ સાબિત થઈ રહ્યા છે ! ટૂર્નામેન્ટ શરૂ થઈ ત્યારે આ ખેલાડીઓના પ્રદર્શન ઉપર સૌની નજર ટકેલી હતી પરંતુ તે ઠગારી નિવડી છે. અત્યારે ગ્રાઉન્ડ ઉપર આ પાંચેય ખેલાડી ખરાબ રીતે નિષ્ફળ નિવડી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ પાંચમાંથી એકની સરેરાશ લગભગ આઠ રનની છે !
જોશ બટલર
ઈંગ્લેન્ડનો કેપ્ટન બટલર દર વખતે રાજસ્થાન રોયલ્સ માટે એક્સ ફેક્ટર મતલબ કે ફાયદાકારક નિવડ્યો હતો. જો કે આ વખતે તેનું બેટ એકદમ શાંત થઈ ગયું છે. તેના બેટમાંથી ત્રણ મેચમાં માત્ર ૩૫ રન નીકળ્યા છે. આ રીતે તેની રન સરેરાશ ૧૧.૬૬ અને સ્ટ્રાઈક રેટ ૮૫.૩૬નો છે. જો કે તેની ટીમે ત્રણેય મેચ જીતી છે.
હાર્દિક પંડ્યા
ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન અને ત્યારબાદ રનર્સઅપ બનાવ્યા બાદ રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનનારો હાર્દિક પંડ્યા એકદમ નિષ્ફળ નિવડ્યો છે. તેણે દરેક મેચમાં શરૂઆત તો સારી કરી પરંતુ મોટી ઈનિંગ રમી શક્યો નથી. ત્રણ મેચમાં તેના નામે ૬૯ રન છે અને તમામમાં તેની કેપ્ટનશિપને લઈને સવાલ ઉંી રહ્યા છે.
ગ્લેન મેક્સવેલ
વન-ડે વર્લ્ડકપમાં તરખાટ મચાવી દેનારો ગ્લેન મેક્સવેલ એમ.ચિન્નાસ્વામી જેવા નાના ગ્રાઉન્ડ ઉપર પણ મોટા શોટ રમી શકતો નથી. ચાર મેચમાં તેના નામે માત્ર ૩૧ રન છે. તેની સરેરાશ ૭.૭૫ અને સ્ટ્રાઈક રેટ ૧૧૪.૮૧ છે. ટૂર્નામેન્ટમાં બેંગ્લોર ચારમાંથી માત્ર એક મેચ જીતી શક્યું છે.
ઈશાન કિશન
ઘરેલું ક્રિકેટમાં નહીં રમવાને કારણે વિવાદમાં આવી ગયેલા ઈશાન કિશન માટે આ વખતની સીઝન દુ:સ્વપ્ન સાબિત થઈ રહી છે. તેણે ત્રણ મેચ રમી છે અને માત્ર ૫૦ રન બનાવ્યા છે. આ નિષ્ફળતાનું પરિણામ અત્યારે ટીમ ભોગવી રહી છે કેમ કે ત્રણેય મેચમાં મુંબઈનો પરાજય થયો છે.
મીચેલ માર્શ
દિલ્હી કેપિટલ્સે આ સીઝનની શરૂઆતમાં મીચેલ માર્શથી ઓપનિંગ કરાવી હતી પરંતુ તે સફળ નિવડ્યો નથી. માર્શે ચાર મેચ રમીને ૬૧ રન બનાવ્યા છે. તેના બેટમાંથી ૮ ચોગ્ગા અને એક છગ્ગો નીકળ્યો છે. દિલ્હી ચારમાંથી માત્ર એક મેચ જીતી શક્યું છે.
પાંચ ખેલાડી રાતોરાત બન્યા સ્ટાર
આઈપીએલમાં ભારતના પાંચ ખેલાડી એવા છે જેમની શરૂઆતમાં તો કોઈ ચર્ચા ન્હોતી થઈ પરંતુ અત્યારે ચારે બાજુ તેમનું જ નામ ગુંજી રહ્યું છે. આ ખેલાડીમાં મહિપાલ લોમરોર (બેંગ્લોર), નમન ધીર (મુંબઈ), અંગકૃષ રઘુવંશી (કોલકત્તા), હર્ષિત રાણા (કોલકત્તા) અને મયંક યાદવ (લખનૌ)નો સમાવેશ થાય છે.