વિમેન્સ પ્રિમીયર લીગનો આજથી પ્રારંભ: પાંચ ટીમ વચ્ચે જામશે જંગ
શાહરૂખ, કાર્તિક આર્યન, સિદ્ધાર્થ, ટાઈગર સહિતના કલાકારો ઉદ્ઘાટન સમારોહમાં મચાવશે ધમાલ
દેશની ઘરેલું મહિલા ટી-૨૦ લીગ વિમેન્સ પ્રિમીયર લીગની બીજી સીઝનનો આજથી પ્રારંભ થશે. આ ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ગુજરાત જાયન્ટસ, દિલ્હી કેપિટલ્સ અને યૂપી વોરિયર્સ એમ પાંચ ટીમ ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં ૨૨ મુકાબલા થશે જેમાં ૨૦ લીગ, એક એલિમિનેટર અને એક ફાઈનલ મુકાબલો સામેલ છે. આજે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈની ટક્કર ગત ટૂર્નામેન્ટની રનર્સ અપ દિલ્હી કેપિટલ્સ સામે થશે. મેચ પહેલાં ઓપનિંગ સેરેમની યોજાશે જેમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન, કાર્તિક આર્યન, સિદ્ધાર્થ મલ્હોત્રા, ટાઈગર શ્રોફ, શાહિદ કપૂર, વરુણ ધવન સહિતના કલાકારો પરફોર્મ કરશે.
આ ટૂર્નામેન્ટ બેંગ્લોર-દિલ્હીમાં રમાશે. બેંગ્લોરમાં પ્રથમ તબક્કાની ૧૧ મેચ રમાશે. આ પછીની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ પર રમાશે. જ્યારે પ્લેઑફ અને ફાઈનલ પણ દિલ્હીમાં જ રમાશે. ગત ટૂર્નામેન્ટ મુંબઈમાં રમાઈ હતી જ્યાં આ વખતે એકેય મેચ નહીં રમાય. પહેલી સીઝનની જેમ જ પાંચ ટીમ ૨૨ મેચ રમશે. ગ્રુપ સ્ટેજમાં પોતાની ૮ મેચમાં તમામ ટીમો બે-બે વખત ટકરાશે. લીગ રાઉન્ડ બાદ ટોપ પર રહેલી ટીમ સીધી ફાઈનલમાં પહોંચશે. જ્યારે બીજા અને ત્રીજા નંબરની ટીમ ફાઈનલમાં જગ્યા મેળવવા માટે એકમાત્ર પ્લેઓફ મેચમાં ટકરાશે.