વર્લ્ડકપ જીતવો હોય તો કોહલી પાસે ઓપનિંગ કરાવો: જાડેજા
રોહિત શર્માએ કોહલીની જગ્યાએ ત્રીજા ક્રમે આવવું જોઈએ
ટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા જાહેર થઈ ચૂકી છે. ભારતની નજર બીજી વખત ખીતાબ જીતવા પર છે પરંતુ તેના પહેલાં ભારતના પૂર્વ ખેલાડી અજય જાડેજાએ ભારતને નવી રણનીતિ સાથે મેદાન પર ઉતરવાની સલાહ આપી છે. જાડેજાએ કહ્યું કે મારી દૃષ્ટિએ આ વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ ઓપનિંગ કરવી જોઈએ અને રોહિત શર્માએ કોહલીની જગ્યાએ ત્રીજા ક્રમે આવવું જોઈએ. આ પાછળ તેમણે તર્ક આપ્યો કે રોહિત શર્મા જો ત્રીજા નંબરે બેટિંગ કરવા આવે છે તો તેને થોડો આરામ મળશે અને રમતને સમજવામાં મદદ મળશે. એક કેપ્ટન તરીકે તેના મગજમાં ઘણું બધું ચાલી રહ્યું હોય છે. જો કોહલી ઓપનિંગ કરે છે તો તેનાથી રન ગતિમાં વધારો થશે કેમ કે કોહલી અત્યારે એકદમ ફોર્મમાં છે. પાવરપ્લેમાં તેનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે તેમ છે અને આમ કરવાથી તેને પણ વ્યવસ્થિત મદદ મળશે. તેના ઉપર આવ્યા બાદ જ્યારે બોર્ડ પર ૨૦-૩૦ રન હશે અને પછી સ્પીનર આવશે ત્યારે તે ટીમ માટે ફાયદાકારક સાબિત થશે. તે લાંબા સમય સુધી ક્રિઝ પર ટકીને બેટિંગ કરે છે તો શ્રેષ્ઠ બની જાય છે. આવામાં મારી નજરમાં કોહલીએ જ ઓપનિંગ કરવી જોઈએ.