વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર ડ્રોપ ઈન’ પીચ પર થશે…
ન્યુયોર્કના નાસાઉ સ્ટેડિયમ પર કુલ ૮ મુકાબલા રમાશે
ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર ન્યુયોર્કમાં થવાની છે. અમેરિકાના ન્યુયોર્કમાં રમાનારા મુકાબલા માટે
ડ્રોપ ઈન’ પીચને ફ્લોરિડાથી લાવીને નાસાઉ કાન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ (ન્યુયોર્ક)માં પાથરવામાં આવી રહી છે. આ પ્રકારની પીચનો ઉપયોગ ઓસ્ટે્રલિયામાં કરાય છે કેમ કે ત્યાં એક જ સ્ટેડિયમમાં ક્રિકેટ સહિત રગ્બી, ફૂટબોલ, બેસબોલ સહિતની રમતો રમાય છે. ટી-૨૦ વર્લ્ડકપનો પ્રારંભ ૧થી ૨૯ જૂન વચ્ચે થશે જેમાં ૨૦ ટીમો ભાગ લેવાની છે. ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર ટી-૨૦ વર્લ્ડકપની ૮ મેચનું આયોજન થવાનું છે. પાછલા છ મહિનાથી ડ્રોપ ઈન પીચને ફ્લોરિડામાં તૈયાર કરાઈ રહી હતી. આ સ્ટેડિયમમાં દર્શકોને બેસવાની ક્ષમતા ૩૪,૦૦૦ છે. આ સ્ટેડિયમ પર રમાનારી તમામ આઠેય મેચ ડ્રોપ ઈન પીચ ઉપર જ રમાશે. ચાર પીચને નાસાઉ સ્ટેડિયમ પર પાથરવામાં આવશે જ્યારે બાકીની છ પીચ પ્રેક્ટિસ માટે પથરાશે.
`ડ્રોપ ઈન’ પીચ શું છે ?
ડ્રોપ ઈન પીચ એ હોય છે જેને ગ્રાઉન્ડ અથવા વેન્યુથી દૂર ક્યાંક બનાવાય છે. બાદમાં આ પીચને ક્રેઈન અથવા ટ્રકથી લાવીને સ્ટેડિયમ પર પાથરી દેવાય છે. ફ્લોરિડામાં તૈયાર કરાઈ રહેલી પીચ એડિલેડ ઓવલ ટર્ફ સોલ્યુશન્સની દેખરેખ હેઠળ બનાવાઈ છે જેની આગેવાની મુખ્ય ક્યુરેટર ડોમિયર હૉગ કરી રહ્યા છે. વર્લ્ડકપ પૂર્ણ થયા બાદ આ પીચને કાઢીને પહેલાં રેતી અને પછી કૃત્રિમ ઘાસ ઉગાડી દેવામાં આવે છે જેથી ગ્રાઉન્ડ બીજી વખત ઉપયોગ માટે તૈયાર થઈ શકે છે.
`ડ્રોપ ઈન’ પીચ બને છે કેવી રીતે ?
ડ્રોપ ઈન પીચને કાળી માટીના થર ઉપર ઘાસ ઉગાડીને બનાવાય છે. તેની તમામ પ્રક્રિયા સ્ટીલની ફ્રેમમાં થાય છે. ક્રિકેટ મેચનું જ્યારે આયોજન કરાય છે ત્યારે ૩૦ ટન વજનવાળી આ પીચને ટ્રક અથવા ટે્રલરથી ઉઠાવીને ૨૭ મીટર ઉંડા સીમેન્ટના સ્લેબ ઉપર મુકી દેવાય છે. સ્ટીલની ફ્રેમમાં બનવાને કારણે તે અત્યંત કઠોર બની જાય છે.