રાજકોટમાં રમાનારી ટેસ્ટ મેચની ટિકિટ વેચાણ શરૂ: રૂા.૧૨૦થી ૧૨૦૦ ભાવ
ટીમ ઈન્ડિયાનું ૧૧ તો ઈંગ્લેન્ડનું ૧૨ ફેબ્રુ.એ આગમન: ૧૫થી ૧૯ ફેબ્રુ. મુકાબલો: કોહલી-જાડેજા-શમીનું રમવું અનિશ્ચિત
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આગામી તા.૧૫થી ૧૯ ફેબ્રુઆરી સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ઉપર શ્રેણીનો ત્રીજો ટેસ્ટ મુકાબલો રમાવાનો છે જેને લઈને ક્રિકેટરસિકોમાં અનેરી ઉત્કંઠા જોવા મળી રહી છે. દરમિયાન આ મેચને સ્ટેડિયમમાં બેસીને નિહાળી શકાય તે માટે ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ થઈ ચૂક્યું છે આ મેચની ટિકિટનો ભાવ રૂા.૧૨૦થી ૧૨૦૦ એક દિવસનો રાખવામાં આવ્યો છે જ્યારે કોઈ ક્રિકેટરસિક પાંચેય દિવસની ટિકિટ બુક કરાવવા માંગે તો તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ભારતીય ટીમ અલગ-અલગ તબક્કે ૧૧ ફેબ્રુઆરીએ રાજકોટ પહોંચી જશે જ્યારે ટીમ ઈંગ્લેન્ડ ૧૨મીએ રાજકોટ આવી જશે. ભારતીય ટીમ ૧૨ ફેબ્રુ.એ પ્રેક્ટિસ કરશે તો ઈંગ્લેન્ડ ૧૩મીએ પરસેવો પાડવા મેદાને ઉતરશે. આ પછી ૧૫ ફેબ્રુઆરીથી મુકાબલો શરૂ થશે. રાજકોટમાં સૌથી મોટું આકર્ષણ વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી સહિતના ખેલાડીઓનું રહેશે પરંતુ આ ખેલાડીઓ રમશે કે કેમ તેને લઈને મોટો પ્રશ્નાર્થ છે કેમ કે રાજકોટ સહિત બાકીની ત્રણ ટેસ્ટ મેચ માટે ટૂંક સમયમાં ટીમનું એલાન થવાનું છે તેમાં આ ખેલાડીઓનો સમાવેશ થાય તેવી શક્યતા ઓછી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.
ટિકિટ વેચાણની વાત કરવામાં આવે તાો સાઉથ પેવેલિયન સાઈડની એક દિવસની ટિકિટ ૧૨૦૦ અને પાંચ દિવસની એક ટિકિટ ૫૦૦૦માં, વેસ્ટ સ્ટેન્ડિયની એક દિવસની ટિકિટ ૨૫૦ અને પાંચ દિવસની ૧૦૦૦ તો ઈસ્ટ સ્ટેન્ડની એક દિવસની ટિકિટ ૧૨૦ અને પાંચ દિવસનો ભાવ ૫૦૦ નક્કી કરાયો છે. ટિકિટ બુકિંગ પે-ટીએમ ઈનસાઈડર પ્લેટફોર્મ ઉપર વેબસાઈટ www.idsider.in પર અથવા તો પે-ટીએમ ઈનસાઈડર એપ્લીકેશન પરથી થઈ શકશે.
