રણજી ટ્રોફી રમાડવાનું જ બંધ કરી દો !
બંગાળના ખેલમંત્રી અને રણજી ટીમના કેપ્ટન મનોજ તીવારીએ આપી સલાહ
ભારતમાં અત્યારે સૌથી મોટી નેશનલ ક્રિકેટ ટૂર્નામેન્ટ રણજી ટ્રોફી રમાઈ રહી છે. દેશભરના ખેલાડીઓ તેમાં જોર લગાવી રહ્યા છે પરંતુ આ સીઝનમાં અત્યાર સુધી ઘણી બધી બબાલ પણ થઈ ચૂકી છે. આ બધાની વચ્ચે બંગાળ ટીમમાંથી પણ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ મામલો ખુદ બંગાળ ટીમના કેપ્ટન અને ભારતના પૂર્વ બેટર મનોજ તીવારીએ ઉઠાવ્યો છે.
મનોજ તીવારીએ અચાનક જ એક ટવીટ કરીને રણજી ટ્રોફી રમાડવાનું જ બંધ કરી દેવાની સલાહ આપી દીધી છે. મનાોજે ટવીટમાં લખ્યું કે રણજી ટ્રોફીને આગલી સીઝનમાંથી હટાવી દેવી જોઈએ કેમ કે તેમાં ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. આ ઐતિહાસિક ટૂર્નામેન્ટને જો બચાવવી હોય તો તેમાં ઘણો બધો સુધારો કરવાની જરૂર છે. આ ટૂર્નામેન્ટ હવે પોતાની ચમક અને મહત્ત્વ ગુમાવી રહી છે જેના કારણે હું ઘણો બધો નિરાશ છું. જો કે મનોજે આવું ટવીટ શા માટે કર્યું તેનું કારણ સામે આવ્યું નથી.
મનોજનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે બંગાળની ટીમ કેરળ વિરુદ્ધ રમી રહી છે. બન્ને ટીમો વચ્ચે આ મુકાબલો એક કોલેજના ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે. આ જ વાતથી મનોજ ઘણો બધો નિરાશ છે કેમ કે ખેલાડીઓને પ્રાયવસી મળી રહી નથી અને તેઓ શું વાત કરી રહ્યા છે તે બધાને સંભળાય છે.