રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનો’ને BMW કાર-લાખોનું ઈનામ મેળવો
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને ખેલાડીઓ માટે જાહેર કરી ઈનામી યોજના'
નવીદિલ્હી ક્રિકેટ ઈતિહાસમાં કદાચ ક્યારેય ન જોઈ હોય કે સાંભળી હોય તેવી
ઈનામી યોજના’ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને (એચસીએ) જાહેર કરી છે. હૈદરાબાદે રણજી ટ્રોફી પ્લેટ ગ્રુપના ફાઈનલમાં મેઘાલયને હરાવીને એલિટ ગ્રુપમાં જગ્યા બનાવી છે. એચસીએના પ્રમુખ જગન મોહન રાવે ટ્રોફી જીતનારી હૈદરાબાદ ટીમ માટે ૧૦ લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. આ ઉપરાંત દરેક ખેલાડીને ૫૦-૫૦ હજાર રૂપિયાની બોનસ રકમ પણ અપાશે.
એચસીએ પ્રમુખ રાવે આ સાથે જ પોતાની ટીમ હૈદરાબાદ માટે કરોડપતિ બનવાનો પ્લાન પણ જાહેર કર્યો છે. રાવે કહ્યું કે જો તેની ટીમ રણજી ટ્રોફી (એલિટ) જીતે છે તો દરેક ખેલાડીને એક-એક બીએમડબલ્યુ કાર અને આખી ટીમને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. આ જાહેરાત ત્રણ વર્ષ માટે છે મતલબ કે જો ટીમ ત્રણ વર્ષની અંદર ટ્રોફી જીતી લ્યે છે તો તેના ઉપર આ ઈનામી યોજના લાગુ પડશે.
ઉલ્લેખનીય છે કે રણજી ટ્રોફીમાં ટીમોને ૨ ફોર્મેટ હેઠળ એલિટ અને પ્લેટ ગ્રુપમાં રાખવામાં આવે છે. પ્લેટ ગ્રુપની વિજેતા ટીમ પ્રમોટ થઈને એલિટ ગ્રુપમાં જાય છે. આ રીતે એલિટ ગ્રુપમાં ખરાબ પ્રદર્શન કરનારી ટીમ ફરી પ્લેટ ગ્રુપમાં પહોંચી જાય છે. હૈદરાબાદે આ વર્ષ પ્લેટ ગ્રુપ જીત્યું છે. આ પ્રકારે તે હવે રણજી ટ્રોફીની આગલી સીઝનમાં એલિટ ગ્રુપમાં રમશે. હૈદરાબાદ ટીમમાં તીલક વર્મા ઉપરાંત મોહમ્મદ સીરાજ, તન્મય અગ્રવાલ, રોહિત રાયડુ, રાહુલ સિંહ, તન્મય ત્યાગરાજન, રવિ તેજા સહિતના ખેલાડી છે.