મોદીએ નીરજ ચોપડાને કહ્યું, મમ્મીના હાથનો ચૂરમા મને ક્યારે ખવડાવીશ ?
ક્રિકેટરો બાદ પેરિસ ઑલિમ્પિક માટે જનારા ખેલાડીઓ સાથે વડાપ્રધાનની મુલાકાત
હાર-જીતની ચિંતા ન કરતા, મેડલ જીતો તો સારું, ન આવે તો પરેશાન ન થતાં: બધા પૂરતી ઉંઘ લેજો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટી-૨૦ વર્લ્ડકપ જીતીને આવેલા ક્રિકેટરો બાદ પેરિસ ઓલિમ્પિકમાં રમવા જનારા ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારતીય ખેલાડીઓ ભારતનું નામ રોશન કરે તેવું પ્રદર્શન કરવા શુભકામના પાઠવી હતી.મોદીએ કહ્યું કે હાર-જીતની ચિંતા કર્યા વગર સારા પ્રદર્શન ઉપર સૌ ધ્યાન કેન્દ્રીત કરજો. ઑલ ધ બેસ્ટ ! ઉલ્લેખનીય છે કે પેરિસ ઓલિમ્પિક ૨૬ જૂલાઈથી શરૂ થઈ રહી છે.
વડાપ્રધાન મોદી ગુરૂવારે સવારે ૧૧ વાગ્યે ભારતીય ક્રિકેટ ટીમ સાથે મુલાકાત કર્યા બાદ સાંજે ઓલિમ્પિક માટે રવાના થનારા ખેલાડીઓને પણ મળ્યા હતા. મોટાભાગના ખેલાડીએ વડાપ્રધાન સાથે સીધી મુલાકાત કરી હતી તો વિદેશમાં તાલિમ મેળવી રહેલા નીરજ ચોપડા સહિતના અમુક ખેલાડી વીડિયો કોલ થકી જોડાયા હતા.
નીરજ ચોપડા સાથે વાત કરતા મોદીએ કહ્યું કે તારો ચૂરમા હજુ આવ્યો નથી ! મને તારા મમ્મીના હાથનો ચૂરમો જમવો છે. વડાપ્રધાને તમામ ખેલાડીઓને કહ્યું કે રમત માટે સારી ઉંઘ અત્યંત જરૂરી છે એટલા માટે તમે બધા ઉમદા ઉંઘ લેજો. તમે એવું નથી કે વડાપ્રધાન તમને ઉંઘવા માટે કહી રહ્યા છે પરંતુ મેડિકલ સાયન્સ પણ સારી ઉંઘ લેવાની વાત કહે છે. તમે બધા ઓલિમ્પિયન છો. ઓલિમ્પિકમાં ભાગ લેવો જ એક મોટી વાત છે. મેડલ આવે તો સારી વાત છે અને ન આવે તો પરેશાન ન થતા. બસ, તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરજો. હું કોશિશ કરીશ કે આ વખતે ૧૫ ઑગસ્ટે લાલકિલ્લા પર તમે બધા પણ હાજર રહો.
મોદીએ ખેલાડીઓ સાથે ખેલો ઈન્ડિયા' અંગે પણ વાત કરી હતી. તેમણે પૂછયું હતું કે આ બધામાં એવા ખેલાડીઓ કોણ છે જે
ખેલો ઈન્ડિયા’ થકી બહાર આવ્યા છે. આ પછી અનેક ખેલાડીએ પોતાના હાથ ઉંચા કર્યા હતા. મનુ ભાકરે જવાબ આપતા કહ્યું કે મને ખેલો ઈન્ડિયા થકી ઘણી મદદ મળી છે. મેં ૨૦૧૮માં નેશનલ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારથી રમી રહી છું.