મુંબઈએ ૨૭ વર્ષ બાદ જીત્યો ઈરાની કપ
રેસ્ટ ઑફ ઈન્ડિયા સામેની મેચ ડ્રો: પ્રથમ ઈનિંગની લીડના આધારે મુંબઈને વિજેતા જાહેર કરાયું
ઈરાની કપ-૨૦૨૪માં મુંબઈનો સામનો રેસ્ટ ઑફ ઈન્ડિયા સામે થયો હતો. આ મેચ ડ્રો રહી હતી પરંતુ પ્રથમ ઈનિંગમાં મળેલી લીડને કારણે મુંબઈને વિજેતા જાહેર કરાયું હતું. આ સાથે જ અજિંક્ય રહાણેની આગેવાનીમાં મુંબઈ ટીમે ૨૭ વર્ષ બાદ ઈરાની કપની ટ્રોફી પોતાના નામે કરી હતી. મુંબઈએ ૧૫મી વખત આ ટ્રોફીને પોતાના નામે કરી હતી. આ મેચમાં અણનમ ડબલ સદી બનાવનારા સરફરાઝ ખાનને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરાયો હતો.
બન્ને ટીમ વચ્ચે રમાયેલી આ મેચ ડ્રો રહી હતી પરંતુ સરફરાઝ ખાન જ હતો જેની ઈનિંગને કારણે મુંબઈએ પહેલી ઈનિંગમાં વિશાળ સ્કોર બનાવ્યો અને તેને પહેલી ઈનિંગમાં લીડ મળી હતી. આ મુકાબલામાં મુંબઈએ પહેલાં બેટિંગ કરતાં ૫૩૭ રન બનાવ્યા હતા. જ્યારે રેસ્ટ ઓફ ઈન્ડિયા ૪૧૬ રન જ બનાવી શક્યું હતું. આ રીતે પહેલી ઈનિંગમાં મુંબઈને ૧૨૧ રનની લીડ મળી હતી. આ પછી બીજી ઈનિંગમાં તનુષ કોટિયાને અણનમ સદી બનાવી હતી.