મારા માટે IPL નહીં, દેશ મોટો !
દેશમાંથી ફોન આવતાં જ ટૂર્નામેન્ટ છોડી પરત ફરી ગયો: ચેન્નાઈને મોટો ઝટકો
સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુકાબલા પહેલાં ચેન્નાઈ સુપરકિંગ્સને મોટો ઝટકો લાગી શકે છે. ટીમના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહમાન બાંગ્લાદેશ પરત ફરી ગયો છે. રહમાનને ટી-૨૦ વર્લ્ડકપ માટે અમેરિકાની વિઝા પ્રક્રિયા માટે દેશ પરત ફરવું પડ્યું છે. આવામાં પાંચ એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાનારી મેચમાં રહમાન રમશે નહીં. તેની રવિવાર અથવા સોમવાર સુધી વાપસીની આશા છે. જો સોમવાર મતલબ કે ૮ એપ્રિલે પરત ફરે છે તો તે કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધની મેચ પણ રમી શકશે નહીં.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ જુનૈદ યુનુસે જણાવ્યું કે મુસ્તફિઝુર આગામી ટી-૨૦ વર્લ્ડકપ માટે અમેરિકી વિઝા લેવા માટે બાંગ્લાદેશ આવ્યો છે. તે આજે અમેરિકી દૂતાવાસમાં પોતાના ફિંગરપ્રિન્ટ આપશે અને બાદમાં ચેન્નાઈ સાથે જોડાવા માટે ભારત પરત ફરી જશે.
ઉલ્લેખનીય છે કે ટૂર્નામેન્ટમાં મુસ્તફિઝુર ચેન્નાઈ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યો છે. તેણે ત્રણ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ૭ વિકેટ ખેડવી છે અને બોલરોમાં અત્યારે તે ટોચ પર છે. તેણે આઈપીએલ-૨૦૨૪ના પ્રથમ મુકાબલામાં બેંગ્લોરની ચાર વિકેટ ખેડવી હતી. આ પછી ગુજરાત વિરુદ્ધ તેણે ૨ વિકેટ પોતાના નામે કરી હતી. જો કે પોતાની જૂની આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સ સામે તે થોડો મોંઘો સાબિત થયો હતો. આ મેચમાં તેણે ચાર ઓવરમાં માત્ર ૧ વિકેટ મેળવી ૪૭ રન લૂંટાવ્યા હતા.