ભારત-ઓસ્ટે્રલિયા વચ્ચે ૩૨ વર્ષ બાદ રમાશે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી
પર્થમાં રમાશે પહેલી મેચ: અત્યાર સુધી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ૪ ટેસ્ટ જ રમાતી હતી
ભારત-ઓસ્ટે્રલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીને લઈને ક્રિકેટ ઓસ્ટે્રલિયાએ એક મોટી જાહેરાત કરી છે. હવે ભારત-ઓસ્ટે્રલિયા વચ્ચે રમાનારી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ચારની જગ્યાએ પાંચ ટેસ્ટ મેચ રમાશે. ટેસ્ટ ક્રિકેટમાં ૩૨ વર્ષ બાદ એવું બનશે કે જ્યારે બન્ને દેશો વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. અગાઉ ૧૯૯૧-૯૨માં બન્ને વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે રમાનારી આ શ્રેણી ઓસ્ટે્રલિયાના ૨૦૨૪-૨૫ના કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.
ક્રિકેટ ઓસ્ટે્રલિયાએ જણાવ્યું કે આ ટેસ્ટ શ્રેણી ગરમીની સીઝનમાં રમાશે. બીસીસીઆઈ સચિવ જય શાહે ક્રિકેટ ઓસ્ટે્રલિયાની પ્રેસ રિલિઝમાં કહ્યું કે બીસીસીઆઈ ટેસ્ટ ક્રિકેટના સમૃદ્ધ વારસાને સંરક્ષિત રાખવાના પોતાના સમર્પણ પ્રત્યે દૃઢ છે. આ એવું ફોર્મેટ છે જેનું આપણે સૌથી વધુ સન્માન કરીએ છીએ. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને પાંચ ટેસ્ટ મેચ સુધી વધારવા માટે ક્રિકેટ ઓસ્ટે્રલિયા સાથે અમારો સહયોગ ટેસ્ટ ક્રિકેટને મહત્ત્વ આપવા માટે અમારી સામૂહિક કટિબદ્ધતાને દર્શાવે છે. આ શ્રેણીની પહેલી ટેસ્ટ પર્થમાં રમાશે.
ભારતીય ટીમ છેલ્લે ૨૦૨૦-૨૧માં ઓસ્ટે્રલિયાના પ્રવાસે ગઈ હતી. એ સમયે બન્ને ટીમ વચ્ચે ૪ ટેસ્ટ મેચ, ૩ વન-ડે અને ૩ ટી-૨૦ મેચ રમાઈ હતી. ખાસ કરીને ટેસ્ટ મુકાબલાની વાત કરીએ તો પહેલી મેચમાં ઓસ્ટે્રલિયાએ ૮ વિકેટે જીત હાંસલ કરી હતી. આ પછી બીજી મેચમાં ભારતીય ટીમ ૮ વિકેટે જીતી હતી તો ત્રીજી મેચ ડ્રો રહી હતી જ્યારે ચોથી મેચ જીતી ભારતે આ શ્રેણી પોતાના નામે કરી હતી.
ભારત-ઓસ્ટે્રલિયા શ્રેણીનો કાર્યક્રમ
મેચ તારીખ સ્થળ
પહેલી ટેસ્ટ ૨૨-૨૬ નવેમ્બર પર્થ
બીજી ટેસ્ટ ૬-૧૦ ડિસેમ્બર એડિલેડ (ડે-નાઈટ
ત્રીજી ટેસ્ટ ૧૪-૧૮ ડિસેમ્બર બ્રિસ્બેન
ચોથી ટેસ્ટ ૨૬-૩૦ ડિસેમ્બર મેલબર્ન
પાંચમી ટેસ્ટ ૩-૭ જાન્યુઆરી સિડની