ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં છગ્ગાનો વરસાદ: તમામ રેકોર્ડ તૂટ્યા
અત્યાર સુધીમાં ૭૫ છગ્ગા લાગી ચૂક્યા: એશેઝમાં ૭૪નો રેકોર્ડ હતો
રાંચીમાં અત્યારે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જો કે ટેસ્ટ મેચ દરમિયાન જ એક મોટો રેકોર્ડ નોંધાઈ ગયો છે. આ રેકોર્ડ સૌથી વધુ છગ્ગાનો છે. આ શ્રેણીમાં અત્યાર સુધીમાં ૭૫ છગ્ગા લાગી ચૂક્યા છે જે અત્યાર સુધી એક પણ ટેસ્ટ શ્રેણીમાં લાગ્યા નથી.
અગાઉ એશેઝ શ્રેણી-૨૦૨૩માં ૭૪ છગ્ગા લાગ્યા હતા. ૨૦૧૩-૧૪માં ઑસ્ટે્રલિયા-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં ૬૫ છગ્ગા લાગ્યા હતા. જ્યારે ૨૦૧૯માં ભારત-આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ૬૫ છગ્ગા નોંધાયા હતા. ૨૦૧૪માં પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે ૫૯ વખત દડો ડાયરેક્ટ બાઉન્ડ્રી પાર ગયો હતો.
૨૨ વર્ષીય ઓપનર યશસ્વી જયસ્વાલ ૭ ઈનિંગમાં ૨૩ છગ્ગા લગાવી ચૂક્યો છે. તેના નામે આ શ્રેણીમાં ૬૧૮ રન નોંધાયા છે મતલબ કે તે ૧૦૩ની સરેરાશથી રન બનાવી રહ્યો છે. આ દરમિયાન તેણે વીરેન્દ્ર સેહવાગનો ૧૬ વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. યશસ્વી ટેસ્ટ ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગા લગાવનારો બેટર બન્યો છે. અગાઉ આ રેકોર્ડ સેહવાગના નામે હતો જેણે ૨૦૦૮માં ભારત વતી ટેસ્ટમાં એક કેલેન્ડર યરમાં ૨૨ છગ્ગા લગાવ્યા હતા.
યશસ્વીએ રચ્યો ઈતિહાસ
યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં અત્યાર સુધી ૬૦૦થી વધુ રન બનાવી ચૂક્યો છે. તે ભારત વતી કોઈ એક ટેસ્ટ શ્રેણીમાં આટલા રન બનાવનારો ડાબા હાથનો પ્રથમ ભારતીય બેટર બન્યો છે. અગાઉ આ રેકોર્ડ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીના નામે હતો. દ્રવિડે ૨૦૦૨માં તો કોહલીએ ૨૦૧૭માં આ કમાલ કરી હતી.