ભારતીય ક્રિકેટમાં ફરી ધૂણ્યું ફિક્સિંગનું ભૂત !
પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીની ફેસબુક પોસ્ટે ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચાવી દીધો છે. ગોસ્વામીએ કોલકત્તામાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ લીગની મેચ ફિક્સ હોવાનો આક્ષેપ કર્યો છે. તેણે ફેસબુક પર બે વીડિયો શેયર કરીને લખ્યું છે કે બેટર બીજી ટીમને પોઈન્ટસ અપાવવા માટે જાણી જોઈને પોતાની વિકેટ ગુમાવી રહ્યા છે. આ મામલો સામે આવતાં જ ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળે આ અંગે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
ગોસ્વામીએ કહ્યું કે ટાઉન ક્લબ ટીમને સાત પોઈન્ટ અપાવવા માટે મોહમ્મડન સ્પોર્ટિંગ ટીમના બેટરો જાણીજોઈને વિકેટ આપી રહ્યા છે. આ બન્ને મોટી ટીમ છે છતાં આવું કરી રહી છે. મને શરમ આવી રહી છે કેમ કે ક્રિકેટ મારા દિલની બહુ જ નજીક છે. મને બંગાળ તરફથી રમવું બહુ જ પસંદ છે પરંતુ આ બધું જોઈને હું દ્રવી ઉઠ્યો છું. આ ક્ષણ ભારતીય ક્રિકેટે તાત્કાલિક જાગી જવાની છે.
બીજી બાજુ બંગાળ ક્રિકેટ એસો.ના પ્રમુખ સ્નેહાશિશ ગાંગૂલીએ અમ્પાયરો પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આ મેચમાં ટાઉન ક્લબે શાકિબ હબીબ ગાંધીના ૨૨૩ રનની મદદથી ૪૪૬ રન બનાવ્યા હતા. જવાબમાં મોહમ્મડન સ્પોર્ટિંગ ૯ વિકેટે ૨૮૧ રન જ બનાવી શક્યું હતું.