બોક્સિંગમાં ભારતની આશા સમાપ્ત લવલીના હારી: શૂટિંગમાં મેડલ આવી શકે
શૂટિંગમાં વિજયવીર સિંધુ ૨૫ મીટર રેપિડ ફાયર પીસ્તલ સ્પર્ધાના ફાઈનલમાં: અનીશની સફરનો અંત
પેરિસ ઓલિમ્પિક બોક્સિંગમાં મહિલાઓની ૭૫ કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં ભારતની લવલીના બોરગોહેનનો સામનો ચીનની વિશ્વ નંબર વન ખેલાડી ચીન કી લી કિયેન સામે થઈ હતી. આ એક ક્વાર્ટર ફાઈનલ મેચ હતી જેમાં લવલીનાનો પરાજય થતાં પુરુષ બાદ હવે મહિલા બોક્સિંગમાં પણ ભારતની આશા પૂરી થઈ જવા પામી છે.
કિયેને લવલીનાને ત્રણેય રાઉન્ડમાં હરાવી હતી. પહેલા રાઉન્ડમાં ત્રણ જજે કિયેનને ૧૦ પોઈન્ટ આપ્યા તો બેએ નવ પોઈન્ટ આપ્યા હતા. જ્યારે લવલીનાને બે જજે ૧૦ તો ત્રણે નવ પોઈન્ટ આપ્યા હતા. બીજા રાઉન્ડમાં કિયેનને ત્રણ જજે ૧૦-૧૦ પોઈન્ટ આપ્યા હતા જ્યારે બેએ નવ-નવ પોઈન્ટ આપ્યા હતા. ત્રીજા રાઉન્ડમાં ચાર જજે કિયેનને ૧૦-૧૦ તો એક જજે નવ પોઈન્ટ આપ્યા હતા. આ રીતે લવલીના ત્રણેય રાઉન્ડમાં પરાજિત થઈ હતી.
જ્યારે શૂટિંગમાં ભારત માટે વધુ એક મેડલની આશા બંધાઈ છે. ભારતીય શૂટર વિજયવીર સિંધુ પુરુષોની ૨૫ મીટર રેપિડ ફાયર પીસ્તલ સ્પર્ધાના ફાઈનલમાં પહોંચી ગયો છે જ્યારે અન્ય ભારતીય શૂટર અનીશની સફર ક્વોલિફિકેશનમાં જ સમાપ્ત થઈ જવા પામી હતી.