બેન સ્ટોક્સનો હુંકાર, ટેસ્ટ શ્રેણી ઈંગ્લેન્ડ જ જીતશે
અમે ભારતને ૩-૨થી આપશું પરાજય
રાજકોટમાં ભારતે ઈંગ્લેન્ડને ૪૩૪ રને કારમો પરાજય આપીને પાંચ મેચની શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. હવે ૨૩ ફેબ્રુઆરીથી રાંચીમાં ચોથો મુકાબલો રમાશે. રાજકોટમાં પરાજય બાદ ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે મોટી વાત કહી છે. સ્ટોક્સને હજુ પણ ભરોસો છે કે તેની ટીમ ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહેશે. સ્ટોક્સના જણાવ્યા પ્રમાણે ઈંગ્લેન્ડ ટીમ ભાવનાઓને નેવે મુકી બાકી બચેલી બે મેચ જીતીને શ્રેણીને ૩-૨થી પોતાના નામે કરવા માટે મથશે.
સ્ટોક્સે કહ્યું કે મેં અહીં આવતા પહેલાં વાત કરી અને કહ્યું કે આવા સપ્તાહ મુશ્કેલ હોય છે. ઈંગ્લેન્ડ માટે મેચ હારવી એવું નથી કે તમે એવું જ ઈચ્છો છો પરંતુ વ્યક્તિગત રીતે મને લાગે છે કે જીત અથવા હાર મગજમાં હોય છે. અમે નિશ્ચિત કર્યું છે કે દરેક પ્રકારની ભાવના, નિરાશા હવે માત્ર ડે્રસિંગ રૂમમાં જ રહેશે અને ત્યાંથી બહાર નહીં આવવા દઈએ. અમારી હજુ બે મેચ બાકી છે અને કેપ્ટન તરીકે હું એ જ વિચારી રહ્યો છું કે આ શ્રેણીને ૩-૨થી જીતીએ.
ઈંગ્લેન્ડ પોતાની બાઝબોલ રમત ઉપર અડીખમ રહેશે. અમારી બેટિંગ લાઈન અપ આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓથી ભરપૂર છે. અમે તેમને પરિસ્થિતિઓ પ્રમાણે રમવાની આઝાદી આપીએ છીએ. પાછલી બે મેચમાં ભારતે ઘણા રન બનાવ્યા છે અને તેઓ આ રીતે જ રમવા માંગે છે. જો કે અમે એવું કરી શક્યા નથી.