બારબાડોસમાં ફસાઈ ગઈ ટીમ ઈન્ડિયા !
લાઈનમાં ઉભા રહીને પેપર પ્લેટમાં જમવા મજબૂર: ચાર્ટર્ડ ફ્લાઈટ પણ ભારત લાવી શકે તેવી સ્થિતિ નથી
ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપમાં શાનદાર જીત મેળવીને સ્વદેશ પરત ફરવા માટેની તૈયારી કરી લીધી છે. દેશ પણ ટીમનો ઈન્તેજાર કરી રહ્યો છે પરંતુ વેસ્ટ ઈન્ડિઝનું બારબાડોસ કે જ્યાં ફાઈનલ મુકાબલો રમાયો હતો ત્યાં ખરાબ હવામાનને કારણે આખી ટીમ ખરાબ રીતે ફસાઈ ગઈ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે તમામ ખેલાડી હોટેલના રૂમમાં બંધ રહેવા માટે મજબૂર બન્યા છે.
હવામાન વિભાગે બારબાડોસમાં ચક્રવાતી તોફાનની આશંકા વ્યક્ત કરી છે અને તેને લઈને હાઈએલર્ટ જાહેર કરાયું છે. આ જ કારણથી ત્યાંના તમામ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. બારબાડોસથી તમામ ઉડાનો રદ્દ કરી દેવાઈ છે અને સ્થાનિક લોકોને પણ ઘર બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવાઈ છે. તોફાનને કારણે આખા વિસ્તારમાં કર્ફયૂ જેવો માહોલ છે.
ભારતીય ટીમને પણ આ ચેતવણી લાગુ પડતી હોય તેણે રૂમમાં જ રહેવું પડ્યું છે. અત્યારે હોટેલમાં ૭૦ લોકો હોવાની જાણકારી મળી રહી છે. જેવું વાતાવરણ ચોખ્ખું થશે કે તમામ લોકોને ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા બારબાડોસથી બહાર કાઢીને બ્રિજટાઉન પહોંચાડાશે અને ત્યાંથી ટીમ નવીદિલ્હી માટે ઉડાન ભરશે.
સોશ્યલ મીડિયા પર એક પત્રકારે ભારતીય ટીમ જ્યાં રોકાઈ છે ત્યાંની સ્થિતિને બીસીસીઆઈ સાથે શેયર કરી છે. સાથે જ તેણે જણાવ્યું કે કેવી રીતે બારબાડોસની હોટેલમાં મર્યાદિત સ્ટાફ છે જેના કારણે ભારતીય ટીમના ખેલાડીઓએ પેપર પ્લેટમાં ભોજન લેવું પડી રહ્યું છે સાથે સાથે લાઈનમાં પણ ઉભું રહેવું પડી રહ્યું છે !