બાબર આઝમ પર મેચ ફિક્સિંગનો આરોપ !
મોંઘીદાટ કાર, પ્લોટ, બંગલો સહિતનું વસાવવા લાગતાં ઉઠેલી શંકા: પાકિસ્તાની પત્રકારના ચોંકાવનારા આક્ષેપ
ટી-૨૦ વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ વિવાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો પીછો છોડી રહ્યું નથી. હવે ટીમના કેપ્ટન બાબર આઝમ ઉપર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો છે. આ આરોપ કોઈ વિદેશી નહીં બલ્કે પાકિસ્તાનના પત્રકારે જ મુક્યો છે. પાકિસ્તાન ટીમ ટી-૨૦ વર્લ્ડકપમાં અમેરિકા અને ભારત સામે હારી જતાં સુપર-૮ માટે ક્વોલિફાય કરી શકી ન્હોતી.
સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બાબર આઝમ પર મેચ ફિક્સ કરવાનો આરોપ મુકાઈ રહ્યો છે. વીડિયો પાકિસ્તાનના પત્રકાર મુબાશિર લુકમાનનો છે. મુબાશિર પાકિસ્તાનની હારને બાબર આઝમને મળેલી મોંઘી ભેટ સાથે જોડી રહ્યો છે.
વીડિયોમાં મુબાશિર લુકમાન કહે છે કે થોડા દિવસ પહેલાં જોયું કે બાબર પાસે ઓડી ઈ-ટ્રોન આવી ગઈ છે. બહુ સારી ગાડી છે.
બાબર આઝમે કહ્યું કે તેના ભાઈએ આ ગાડી આપી છે ત્યારે મેં વિચાર્યું કે બાબરનો ભાઈ કોઈ મોટું કામ કરતો હશે એટલે જ તેણે સાતથી આઠ કરોડની ગાડી ભેટમાં આપી છે. જો કે બાદમાં ખબર પડી કે બાબરનો ભાઈ એવું કોઈ જ મોટું કામ કરતો નથી ! આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં સામેલ લોકો બધું જ જાણે છે પરંતુ કશું બોલતા નથી.