બાઝબોલ’ની હવા નીકળી ગઈ ! ભારત સામે ઈંગ્લેન્ડ પરાજિત
ભારતને ૮૪ રને પ્રથમ ઝટકો લાગ્યા બાદ ૩૬ રનમાં ૪ વિકેટ પડી ગઈ: જો કે ધ્રુવ-ગીલે ૭૨ રનની ભાગીદારી કરી ટીમને અપાવી જીત
હવે છેલ્લી ટેસ્ટ ૭ માર્ચથી ધર્મશાલામાં રમાશે
રાંચી ટેસ્ટમાં ભારતે ઈંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવીને પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ૩-૧થી અજેય' લીડ મેળવી લીધી છે મતલબ કે ભારત ઘરઆંગણે ૧૭મી ટેસ્ટ શ્રેણી જીતી ચૂક્યું છે. એકંદરે
બાઝબોલ’ની ભારતમાં હવા નીકળી ગઈ હોય તેમ બેન સ્ટોક્સના કેપ્ટન અને બ્રેન્ડન મેક્કયુલમ (બાઝ)ના કોચ બન્યા બાદ ઈંગ્લેન્ડ પહેલી વખત ટેસ્ટ શ્રેણી હાર્યું છે. છેલ્લા બે વર્ષથી ઈંગ્લેન્ડ ટીમ એક પણ ટેસ્ટ શ્રેણી હારી ન્હોતી.
આ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડે જો રુટની સદીની મદદથી ૩૫૩ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે ૩૦૭ રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડને પહેલી ઈનિંગમાં ૪૬ રનની લીડ લઈને બીજો દાવ શરૂ કર્યો હતો. જો કે તેમાં તે ૧૪૫ રન જ બનાવી શકી હતી જે ભારતની જીત માટે સરળ કહી શકાય તેમ હતા. ઈંગ્લેન્ડ ટીમ પાસે પ્રથમ બે દિવસ લીડ હતી પરંતુ ત્રીજા દિવસે ભારતે મેચ ઉપર પકડ બનાવી લીધી હતી.
ભારતીય ટીમ ૧૯૧ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી તો કેપ્ટન રોહિત સાથે યશસ્વી જયસ્વાલે મજબૂત શરૂઆત અપાવી હતી. ૮૪ રને ભારતને યશસ્વીના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો અને જોતજોતામાં પાંચ વિકેટ પડી ગઈ હતી. રોહિત શર્મા ફિફટી બનાવીને આઉટ થયો તો રજત પાટીદાર ખાતું પણ ખોલાવી શક્યો ન્હોતો. આવી જ રીતે રવીન્દ્ર જાડેજા અને સરફરાઝ ખાન પણ કશું ખાસ કરી શક્યા ન્હોતા. જો કે ધ્રુવ ઝુરેલે શુભમન ગીલ સાથે મળીને ભારતને જીત સુધી પહોંચાડ્યું હતું. ધ્રુવ ઝુરેલે અણનમ ૩૯ તો શુભમન ગીલે અણનમ ૫૨ રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે ૧૩૬ દડામાં ૭૨ રનની ભાગીદારી થઈ હતી જે ભારતની જીત માટે કારગત નિવડી હતી.
ભારતે ૧૧ વર્ષ જૂના દુકાળનો અંત આણ્યો
ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટે જીત મેળવવાની સાથે જ ભારતે ૧૧ વર્ષ જૂના દુકાળનો અંત આણ્યો છે. ૨૦૧૩ બાદ પહેલી વખત ભારતમાં ૧૫૦+નો લક્ષ્યાંક ચેઈઝ થયો છે. ભારતે ઘરઆંગણે સૌથી મોટો ૩૮૭ રનનો લક્ષ્યાંક ૨૦૦૮માં હાંસલ કર્યો હતો. છેલ્લે ૨૦૧૩-માર્ચમાં ભારતે ઓસ્ટે્રલિયા સામે ૧૫૮ રનના ટાર્ગેટને ચેઈઝ કર્યો હતો.
પોઈન્ટ ટેબલમાં ભારત બીજા ક્રમે
ઈંગ્લેન્ડ સામે ૩-૧ની અજેય લીડ મેળવીને ભારતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજો ક્રમ હાંસલ કર્યા છે. ટેબલમાં ન્યુઝીલેન્ડ અત્યારે પ્રથમ ક્રમે છે. રાંચી ટેસ્ટ પહેલાં ભારતના સાત મેચમાં ૫૦ પોઈન્ટ હતા જે રાંચી ટેસ્ટ જીત્યા બાદ ૬૨ થઈ ગયા છે. ભારતની પોઈન્ટ ટકાવારી ૫૯.૫૨થી વધીને ૬૪.૫૮% થઈ ગઈ છે.
અશ્વિને પુજારાને પાછળ છોડ્યો, ધોની-રોહિતની કરી બરાબરી
ઈંગ્લેન્ડ સામે રાંચી ટેસ્ટની જીતમાં મહત્ત્વનું યોગદાન આપનાર આર.અશ્વિને બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ખેડવી હતી. આ સાથે જ તેણે ચેતેશ્વર પુજારાને પાછળ છોડ્યો છે તો ધોની-રોહિતની બરાબરી કરી છે. ભારત માટે સૌથી વધુ ટેસ્ટ જીતનો હિસ્સો રહેવા મામલે અશ્વિને રેકોર્ડ બનાવ્યો છે. અશ્વિન ૫૮ જીતમાં ટીમ ઈન્ડિયાનો હિસ્સો રહ્યો છે. જ્યારે આ યાદીમાં બીજા ક્રમે કોહલી છે જે ૫૯ મેચની જીતમાં ભારતીય ટીમમાં સામેલ રહ્યો છે તો સચિન તેંડુકલર ૭૨ મેચ સાથે પ્રથમ ક્રમે છે.